સૌથી ઊંચા કોટિલિંગેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં છે 1 કરોડ શિવલિંગ, જાણો શું છે તેનું રહસ્ય

ધાર્મિક

શ્રાવણ માસમાં દરરોજ શિવ મંદિરે દર્શન કરવા તો તમે જતાં જ હશો પરંતુ આજે દર્શન કરો વિશ્વના સૌથી ઊંચા શિવલિંગના. આ શિવલિંગ આવ્યું છે કર્ણાટકના કોલાર જિલ્લામાં કામ્માસાંદરા ગામમાં. પાવન, સુંદર અને પ્રાકૃતિક વાતાવરણમાં આવેલું આ મંદિર દેશભરમાં કોટિલિંગેશ્વર ધામ તરીકે ઓળખાય છે.

આ મંદિરમાં પ્રવેશ કરતાં જ ભક્તો મંદિરના આકારને જોતાં જ રહી જાય છે કારણ કે અહીં મુખ્ય મંદિરનો આકાર જ શિવલિંગના રૂપમાં છે. અહીં વિશ્વનું સૌથી ઊંચુ શિવલિંગ પણ છે. શિવલિંગ રૂપમાં આ મંદિરની ઊંચાઈ 108 ફુટ છે જેના દર્શન કરી ભક્ત શિવમય થઈ જાય છે. શિવલિંગની પાસે 35 ફુટ ઊંચાઈવાળા નંદીની પ્રતિમા છે. જે 60 ફૂટ લાંબા, 40 ફૂટ પહોળા અને 4 ફૂટ ઉંચા ચબુતરા પર બિરાજમાન છે. શિવલિંગની પાસે માતાજી, શ્રીગણેશ અને શ્રી કુમારસ્વામીની પ્રતિમાઓ પણ સ્થાપિત છે.

આ મંદિરના દરેક ખૂણામાં મહાદેવના દર્શન થાય છે. કારણ કે અહીં આશરે 1 કરોડ શિવલિંગ છે. આ શિવલિંગની પણ અલગ કથા છે. માનવામાં આવે છે કે ગૌતમ ઋષિએ ઈન્દ્રને શ્રાપ આપ્યો હતો. આ શ્રાપથી મુક્તિ મેળવવા ઈન્દ્રએ કોટિલિંગેશ્વર મંદિરમાં શિવલિંગ સ્થાપિત કર્યુ હતું અને 10 લાખ નદિઓનાં પાણીથી શિવલિંગનો અભિષેક કર્યો હતો. ત્યારથી આજ સુધી તે શિવલિંગ અહીં મોજૂદ છે. આ જ કારણથી ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થવા પર પોતાની શક્તિ મુજબ અહીં 1 ફુટથી લઈને 3 ફુટ સુધીના શિવલિંગની સ્થાપના કરે છે. જેના કારણે મંદિરમાં આશરે 1 કરોડ શિવલિંગ છે અને તેની સંખ્યા દિવસે દિવસ વધી રહી છે.

આમ તો અહીં વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં તીર્થયાત્રીઓ આવે છે. પરંતુ શ્રાવણ માસમાં આ સંખ્યા વધી જાય છે. માન્યતા છે કે આ મંદિરમાં પૂજા કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળી જાય છે. અહીં સ્થાપિત તમામ શિવલિંગના દર્શન કરવામાં 6થી 7 કલાક જેટલો સમય લાગી જાય છે. એવી પણ માન્યતા છે કે પરિસરમાં આવેલા બે વૃક્ષ પર મંદિરમાંથી આપવામાં આવે છે તે દોરો બાંધવાથી તમામ મનોકામના પૂર્ણ થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *