શા માટે શ્રી કૃષ્ણ ને ‘જગન્નાથ’ કહેવામાં આવે છે || રથયાત્રા નો ઈતિહાસ ||

ધાર્મિક

ચાર ધામ તીર્થધામો માંથી એક પૂરીનું જગન્નાથ મંદિર છે. 800 વર્ષ જુના આ મંદિરમાં ભગવાન કૃષ્ણને જગન્નાથના રૂપમાં પૂજવામાં આવે છે, અને તેમની સાથે તેમના મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રા પણ અહિયાં બિરાજમાન છે. રથયાત્રામાં આ ત્રણ જ લોકોનો રથ નીકળે છે. જગન્નાથ રથયાત્રામાં ભગવાન જગન્નાથ સાથે ભાઈ બલરામ અને બહેન સુભદ્રા માટે અલગ અલગ રથ હોય છે અને આ રથ દર વર્ષે બને છે. રથયાત્રામાં સૌથી પાછળ ભગવાન જગન્નાથનો રથ હોય છે. સૌથી આગળ બલરામ અને વચ્ચે બહેન સુભદ્રાનો રથ ચાલે છે.

બધા રથ અલગ અલગ રંગ અને ઉંચાઈના હોય છે. ત્રણે રથોના અલગ અલગ નામ પણ હોય છે. બલરામજીના રથને તાલધ્વજ કહેવામાં આવે છે અને તે લાલ અને લીલા રંગનો હોય છે. અને સુભદ્રાના રથનું નામ દર્પદલન અથવા પદ્મ રથ છે. તેમના રથનો રંગ કાળો કે વાદળી રંગનો હોય છે, જેમાં લાલ રંગ પણ હોય છે. તે ઉપરાંત ભગવાન જગન્નાથના રથને નંદીઘોષ અથવા ગરુડધ્વજ કહેવામાં આવે છે. તેમનો રથ લાલ અને પીળા રંગનો હોય છે.

દર વર્ષે બનતા આ રથ લગભગ એક સરખી ઉંચાઈના જ બનાવવામાં આવે છે. તેમાં ભગવાન જગન્નાથનો રથ 45.6 ફૂટ ઊંચો, ભાઈ બલરામનો રથ 45 ફૂટ અને દેવી સુભદ્રાનો રથ 44.6 ફૂટ ઉંચો હોય છે.

અને વાત રથ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતા લાકડાની કરીએ, તો તે હંમેશા લીમડાના લાકડા માંથી બનાવવામાં આવે છે. કારણ કે તે ઔષધીય લાકડું હોવાની સાથે પવિત્ર પણ માનવામાં આવે છે. લીમડાના કયા ઝાડમાંથી લાકડાની પસંદગી થશે તે જગન્નાથ મંદિર સમિતિ દ્વારા નક્કી કરવામાં આવે છે. તે ઉપરાંત રસપ્રદ વાત એ છે કે, ભગવાનના રથમાં એક પણ ખીલા કે કાંટા વગેરેનો ઉપયોગ નથી થતો. અહીં સુધી કે તેમાં કોઈ ધાતુ પણ નથી લગાવવામાં આવતી. રથના લાકડાની પસંદગી વસંત પંચમીના દિવસે અને રથ બનાવવાની શરુઆત અખાત્રીજ (અક્ષય તૃતિયા) ના દિવસથી શરુ થાય છે.

ત્રણેય રથ તૈયાર થઇ ગયા પછી તેમની પૂજા માટે પૂરીના ‘ગજપતિ રાજા’ ની પાલખી આવે છે. આ પૂજા અનુષ્ઠાનને ‘છર પહનરા’ નામથી ઓળખવામાં આવે છે. તે આ ત્રણેય રથોની વિધિવત પૂજા કરે છે અને સોનાના ઝાડુંથી રથ મંડપ અને રસ્તાને સાફ કરવામાં આવે છે. અષાઢ મહિનાના સુદ પખવાડિયાની બીજ તિથીના રોજ રથયાત્રા ઢોલ, નગારા, તુરાઈ (એક વાજું) અને શંખધ્વનીના નાદ સાથે નીકળે છે. જેને રથ ખેંચવાનું સૌભાગ્ય મળી જાય છે, તે વ્યક્તિ મહાભાગ્યશાળી માનવામાં આવે છે. આ તો થઇ રથ અને મંદિર સાથે જોડાયેલા ઈતિહાસની વાત. હવે જાણીએ કે રથયાત્રા કેમ કાઢવામાં આવે છે અને તેનું મહત્વ શું છે?

144 વર્ષ પૂજા થઈ ન હતી :

મંદિરના રેકોર્ડ મુજબ આક્ર મણકારીઓને લઈને મંદિર પરિસર 144 વર્ષો સુધી બંધ રહ્યું હતું. સાથે જ પૂજા પાઠ સાથે જોડાયેલી પરંપરા પણ બંધ રહી. પણ આદ્ય શંકરાચાર્યજીએ આ પરંપરાઓને ફરીથી શરુ કરી. ત્યારથી લઈને હજુ દરેક પરિસ્થિતિમાં મંદિરની તમામ પરંપરાઓનું વિધિવત પાલન કરવામાં આવી રહ્યું છે.

આવી રીતે શરુ થઇ રથયાત્રાની આ અનોખી પરંપરા :

એવી માન્યતા છે કે, ભગવાન શ્રીકૃષ્ણના અવતાર જગન્નાથજીની રથયાત્રાનું પુણ્ય સો યજ્ઞો સમાન હોય છે. તેની તૈયારી અખાત્રીજના દિવસે શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાના રથના નિર્માણ સાથે શરુ થઇ જાય છે. રથયાત્રાની શરુઆતને લઈને એવી કથાઓ પ્રચલિત છે કે, રાજા ઇન્દ્રયુમ પોતાના આખા કુટુંબ સાથે નીલાંચલ સાગર (ઉડીસા) પાસે રહેતા હતા. એક વખત તેમણે સમુદ્રમાં એક વિશાળકાય લાકડું જોયું. ત્યારે તેમણે તેમાંથી વિષ્ણુજીની મૂર્તિનું બનાવરાવવાનો નિર્ણય લીધો. તે સમયે તેમણે એક વૃદ્ધ સુથારને પણ જોયા જે બીજું કોઈ નહિ પણ પોતે વિશ્વકર્મા ભગવાન હતા.

સુથારે મૂકી રાજા સાથે વિચિત્ર એવી શરત :

પ્રચલિત માન્યતાઓ મુજબ સુથાર બનેલા ભગવાન વિશ્વકર્માએ રાજાને કહ્યું કે, તે મૂર્તિ તો બનાવી દેશે પણ તેમની એક શરત છે. તેથી રાજાએ પૂછ્યું કેવી શરત? ત્યારે સુથાર બનેલા ભગવાન વિશ્વકર્માએ જણાવ્યું કે, હું જે ઘરમાં મૂર્તિ બનાવીશ તેમાં મૂર્તિ સંપૂર્ણ રીતે બની જવા સુધી કોઈ પણ પ્રવેશ નહિ કરે. રાજાએ એ શરતનો સહર્ષ સ્વીકાર કરી લીધો. કહેવામાં આવે છે કે, વર્તમાનમાં જ્યાં જગન્નાથજીનું મંદિર છે તેની પાસે એક ઘરની અંદર તે મૂર્તિ બનાવવામાં આવી હતી. રાજાના બધા કુટુંબીજનોને સુથારની શરત વિષે ખબર ન હતી.

પછી રાજા ભૂલી ગયા તે શરત :

એક કથા મુજબ રાણીએ વિચાર્યું કે ઘણા દિવસોથી દ્વાર બંધ છે અને સુથાર પણ ભૂખ્યા તરસ્યા હશે. ક્યાંક તેમને કાંઈ થઇ ન ગયું હોય. એવું વિચારીને રાણીએ રાજાને કહ્યું કે, કૃપા કરીને દ્વાર ખોલાવો અને વૃદ્ધ સુથારને જળપાન કરાવો. રાણીની એ વાત સાંભળીને રાજા પણ પોતાની શરત ભૂલી ગયા અને તેમણે દ્વાર ખોલાવવાનો આદેશ આપ્યો. કહેવાય છે કે દ્વાર ખુલવા પર તે વૃદ્ધ સુથાર ક્યાય મળ્યા નહી. પણ ત્યાં તેમને અર્દ્ધનિર્મિત શ્રીજગન્નાથ, સુભદ્રા અને બલરામની લાકડાની મૂર્તિઓ મળી.

ત્યારથી કાઢવામાં આવે છે રથયાત્રા :

કથા મુજબ અધુરી મૂર્તિઓને જોઈને રાજા અને રાણીને અત્યંત દુઃખ થયું. પણ તે સમયે બંનેએ આકાશવાણી સાંભળી કે, વ્યર્થ દુઃખી ન થાવ, અમે આ રૂપમાં રહેવા માંગીએ છીએ એટલા માટે મૂર્તિઓને દ્રવ્ય વગેરેથી પવિત્ર કરી સ્થાપિત કરાવી દો. આજે પણ તે અપૂર્ણ અને અસ્પષ્ટ મૂર્તિઓ પુરુષોત્તમ પૂરીની રથયાત્રા અને મંદિરમાં સુશોભિત અને પ્રતિષ્ઠિત છે. માન્યતા છે કે શ્રીકૃષ્ણ અને બલરામે માતા સુભદ્રાની દ્વારકા ભ્રમણની ઈચ્છા પૂરી કરવાના ઉદ્દેશ્યથી અલગ રથમાં બેસીને રથયાત્રા કાઢી હતી. ત્યારથી માતા સુભદ્રાની નગર ભ્રમણની સ્મૃતિમાં આ રથયાત્રા પૂરીમાં દર વર્ષે આયોજિત કરવામાં આવે છે.

આ છે રથયાત્રામાં સામેલ થવાનો મહિમા :

રથયાત્રા એક એવું પર્વ છે જેમાં ભગવાન જગન્નાથ ચાલીને તેમના ભક્તો વચ્ચે આવે છે અને તેમના દુઃખ સુખમાં સહભાગી બને છે. તેનું મહત્વ શાસ્ત્રો અને પુરાણોમાં પણ દર્શાવવામાં આવ્યું છે. સ્કંદ પુરાણમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, જે પણ વ્યક્તિ રથયાત્રામાં સામેલ થઈને ગુંડીચા નગર સુધી જાય છે. તે જીવનમ રણના ચક્ર માંથી મુક્ત થઇ જાય છે. અને જે ભક્ત શ્રીજગન્નાથજીના દર્શન કરીને પ્રણામ કરતા રસ્તામાં ધૂળ કીચડ માંથી થઈને જાય છે તે સીધા ભગવાન શ્રીવિષ્ણુના ઉત્તમ ધામમાં જાય છે. તે ઉપરાંત જે ગુંડીચા મંડપમાં રથ ઉપર બિરાજમાન શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રા દેવીને દક્ષીણ દિશામાં આવતા દર્શન કરે છે તે મોક્ષને પ્રાપ્ત થાય છે.

દેશ જ નહિ વિદેશોમાં પણ નીકળે છે રથયાત્રા :

ભગવાન જગન્નાથપૂરીની આ અપ્રતિમ યાત્રા સામાન્ય સ્થિતિઓમાં જગન્નાથપૂરી ઉપરાંત ગુજરાત, આસામ, જમ્મુ, દિલ્હી, આંધ્ર પ્રદેશ, અમૃતસર, ભોપાલ, બનારસ અને લખનઉમાં પણ કાઢવામાં આવે છે. એટલું જ નહિ આ રથયાત્રા બાંગ્લાદેશ, સૈન ફ્રાન્સીકો અને લંડનમાં પણ કાઢવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *