છેલ્લા કેટલાંક વર્ષાેથી આપણે વાળ ઊતરવાની સમસ્યા અંગે ખૂબ સાંભળતા આવ્યા છીએ. વાળ એ ચહેરાની સુંદરતાનો મહત્ત્વનો ભાગ છે. જેઓના માથા પર પાંખા વાળ હોય છે તેઓ પોતાના દેખાવ બાબતમાં ઓછો આત્મવિશ્વાસ ધરાવતા હોય છે. આમેય માથા પરના ગાઢા વાળ યુવાની અને સુંદરતાનું પ્રતીક છે.
થોડાં પ્રમાણમાં વાળનું ખરવું એ સામાન્ય પ્રક્રિયા છે. કારણ કે વાળની વૃદ્ધિ અને ક્ષયના ચક્રમાં એક તબક્કો ખરવાનો પણ હોય છે. પચાસથી એકસો પચાસ સુધીના વાળનું રોજ ખરવું એ સામાન્ય બાબત છે. પરંતુ તેનાથી વધુ ઝડપે વાળ ખરવા અને ધીમી ગતિએ વાળનું વધવું એ ટાલ તરફ દોરી જાય છે. કેટલીક વાર નવા ઊગતા વાળ પાતળા અને ટૂંકા હોય તો પણ વાળનો જથ્થો ઘટે છે.
વાળ ખરવાના કારણ :
વાળ ખરવાના અનેક કારણો હોય છે. વાળની ઉપેક્ષા તેમાનું એક કારણ છે. ઉગ્ર પ્રકારની બનાવટોનો ઉપયોગ વાળ પર રસાયણોનો ઉપયોગ, અતિશય ગરમી આપીને વાળને સ્ટાઈલ આપવી વગેરેથી વાળ ખરવાની સમસ્યા ઉદ્ભવી શકે છે.
ઘણીવાર કોઈ જાતની બીમારી, આહાર, દવાઓનું સેવન, પ્રસૂતિ વગેરેને કારણે અચાનક વાળ ખરવા લાગે છે. જ્યારે આ સમસ્યાની શરૂઆત ધીમેધીમે થાય અને ઉત્તરોત્તર વધતી જાય ત્યારે માની શકાય કે તે વંશાનુગત બાબત છે. મેલ-પેટર્ન, બોલ્ડનેસ, માનસિક તાણ, રસાયણો, દવાઓ, કુપોષણ તેમજ બીમારીને કારણે કથળતું આરોગ્ય વગેરે વાળ ખરવાના મુખ્ય કારણો છે. આમાંથી કયું કારણ આપણને લાગુ પડે છે તે શોધવું જરૂરી હોય છે. કેટલીક વાર એક કરતાં વધુ કારણો જવાબદાર હોય છે. ઉંમર વધવા સાથે ઘણાં કારણો તેમાં ઉમેરાતા જાય છે. જેઓ આ સમસ્યા અનુભવે તેઓએ તરત જ નિષ્ણાતને બતાવવું જોઈએ.
મોટાંભાગે કોઈ દેખીતા કારણ વિના જ વાળ ખરવાની સમસ્યા ઉદ્ભવે છે. જો મૂંઝવણ, કબજિયાત, અરુચિ, ઝાડા, વજન ઘટવું, ઊલટી તાવ, દુખાવો અથવા ત્વચા રોગની સાથે વાળ ખરતા દેખાય તો તે એક ગંભીર પ્રકારની સમસ્યા ગણાય અને તે સ્થિતિમાં તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ડોક્ટર દર્દીનો ઈતિહાસ વગેરે જાણીને નિદાન કરશે. ડોક્ટર દર્દીને ચાલુ દવા, રોગોની સ્થિતિ, હોર્માેનની સ્થિતિ, કામનો પ્રકાર, રહેવાની જગ્યા, ત્વચા રોગ, વંશાનુગત વલણો વગેરે પણ પૂછશે સ્ત્રીઓને તેમના માસિક-ધર્મ, સગર્ભાવસ્થા મેનોપોઝ વગેરે વિષે પૂછવામાં આવશે. ડોક્ટર વાળ, માથાની ત્વચા, શરીરની ત્વચા અને રૃંવાટી વગેરેની ચકાસણી કરશે. વાળ ખરવાની પદ્ધતિ ચેપ વગેરેની ચકાસણી કરશે. હેર-પુલ-ટેસ્ટ રક્ત-પરીક્ષણ, સ્કાલ્પ-બાયોપ્સી વગેરેની પણ જરૂર પડી શકે છે.
એક વાર સાચું કારણ જણાઈ જાય તે પછી સારવાર શરૂ થઈ શકે છે. આ સમસ્યાનું તત્કાલ નિવારણ કરવું શક્ય નથી. લાંબા ગાળે સારવારની અસર થાય છે. વાળ ખરવા પાછળ કોઈ રોગ કારણભૂત હોય તો સૌ પ્રથમ તે રોગની સારવાર કરવી પડે છે. ફક્ત વાળ ખરવાની સમસ્યા હોય તો તેના ઉપચારના અનેક રસ્તા છે. સમસ્યાની ગંભીરતા અનુસાર ઉપચાર કરવામાં આવે છે.
પ્રતિબંધક ઉપાયઃ
સમયસર ઉપચાર કરીને વાળ ખરવાની સમસ્યાને દૂર કરી શકાય છે. કેટલીક વાર આ સમસ્યા એ વાસ્તવમાં હેર-ડ્રાયરનો વધુ પડતો ઉપયોગ હોટ આયર્ન્સનો ઉપયોગ ડાઈ અને સ્ટાઈલિંગ પ્રોડકટ્સનો ઉપયોગ વગેરેનું પરિણામ હોય છે.
ખરતા વાળ માટેના ઘરેલું ઉપાયઃ
કડવા લીમડાના પાનને ધોઈને થોડાં પાણીમાં ઉકાળી લો. પાણીને ઠંડુ પાડીને તેનાથી વાળ ધુઓ. બીજા ઉપાય તરીકે કોપરેલમાં લીમડાનું તેલ ઉમેરીને માથામાં તેનું માલિશ કરો.
કોથમીરનો રસ વાળમાં અને માથાની ત્વચામાં લગાવો.
એક કપ સરસિયામાં પાંચ ચમચી મહેંદીના પાન નાંખીને તેલને ઉકાળો. પાંચ-દસ મિનિટ બાદ તેલને ઠંડુ પાડીને, ગાળીને ભરી લો, આ તેલથી માથામાં માલિશ કરો. તેનાથી વાળની વૃદ્ધિ સારી થશે. ખરતા વાળનો આ શ્રેષ્ઠ ઉપચાર છે.
એક ઈંડાની જરદીમાં થોડો આમળાનો પાઉડર મિક્સ કરીને તે મિશ્રણને માથામાં ઘસો. ત્રીસ મિનિટ રહેવા દો. પછી વાળ ધોઈ નાંખો.
થોડાં દૂધમાં જેઠીમઠના ટુકડા અને ચપટી કેસર મેળવીને તેની પેસ્ટ બનાવો. માથામાં લગાવો. પંદર મિનિટ બાદ ધોઈ નાંખો.
અડદની દાળ અને મેથીના દાણાંને ગ્રાઈન્ડ કરી લો. તેમાં અડધો કપ દહીં મેળવીને માથામાં તેનાથી માલિશ કરો. એક, બે કલાક બાદ વાળ ધોઈ નાંખો.
તાજો આમળાનો રસ અને લીંબુના રસ સરખા ભાગે મિક્સ કરો. આ મિશ્રણને શેમ્પૂની જેમ વાપરો. તેનાથી વાળ વધે છે અને ગાઢા બને છે.
ઈંડાની જરદીમાં મધ મેળવીને તેનાથી માથામાં માલિશ કરો. ત્રીસ મિનિટ બાદ વાળને ધોઈ લો.
ત્રિફળા પાઉડરમાં કુંવારપાઠાનો રસ મેળવીને માથામાં લગાવો. સપ્તાહમાં એક વાર ત્રણથી છ માસ સુધી કરો.
થોડાંક મેથીના દાણાં લો અને તેને આખી રાત પાણીમાં પલાળી રાખો. આ દાણાંને આમળા, અરીઠા અને શિકાકાઈના પાઉડરમાં મેળવો. પછી તેમાં લીંબુની સૂકી છાલ અને બે ઈંડા ઉમેરો. બધી ચીજોને ગ્રાઈન્ડ કરીને પેસ્ટ બનાવો. આ મિશ્રણનું માથામાં માલિશ કરીને ૧૫-૨૦ મિનિટ સુધી રાખો પછી વાળને સૌમ્ય શેમ્પૂથી ધોઈ લો. વાળની વૃદ્ધિ અને ખરતા વાળ માટેનો આ શ્રેષ્ઠ ઉપાય છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.