ગણેશજીની સાથે આ દેવતાઓને પણ અર્પિત કરો રાખડી, પૂરી થશે મનોકામના

ધાર્મિક

ભાઈ-બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન. શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવાતા આ તહેવાર નિમિત્તે દરેક બહેન પોતાના ભાઈઓના કાંડા પર રક્ષા સૂત્ર એટલે કે રાખડી બાંધી પોતાના વીરની રક્ષા અને લાંબી ઉંમર માટે પ્રાર્થના કરે છે. સાથે જ ઘણા લોકો ઘરના પાલતું પ્રાણી, વૃક્ષો અને છોડને પણ રાખડી બાંધે છે. આ વર્ષે રક્ષાબંધન 22 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. પરંતુ શું તમે જાણો છો કે આ રક્ષાસૂત્રનો સીધો સંબંધ ભગવાન સાથે પણ જોડાયેલો છે. તો રક્ષાબંધન નિમિત્તે અમે તમને જણાવીશું કે કઈ રાખડી કયા ભગવાન સાથે જોડાયેલી છે અને ગણેશજી કઈ રીતે તમારી મનોકામનાઓ પૂર્ણ કરશે.

હનુમાનજીને રાખડી બાંધવું ગણાય છે શુભ

માન્યતા છે કે રક્ષાબંધનના દિવસે સૌથી પહેલા શ્રીગણેશને રાખડી બાંધવી જોઇએ. આ સાથે જ આ દિવસે હનુમાનજીને રાખડી બાંધવી પણ ખૂબ શુભ માનવામાં છે. કહેવાય છે કે હનુમાનજીને રાખડી બાંધવાથી ભાઈ-બહેનનો ક્રોધ શાંત રહે છે અને ગણેશજીને રાખડી બાંધવાથી ભાઈ-બહેનના સંબંધમાં પ્રેમ જળવાઇ રહે છે. સાથે જ તેવી પણ માન્યતા છે કે કળિયુગના દેવતા શ્રીગણેશ અને હનુમાનજીને રાખડી બાંધવાથી વધુ સારું ફળ મળે છે. જો તમે મંદિરે જઇને રાખડી અર્પિત નથી કરી શકતા તો તેવી સ્થિતિમાં તમે ઘરે જ મંદિરમાં બંને દેવતાઓને રાખડી અર્પિત કરી શકો છો.

ગણેશજી

આપણે સૌ જાણીએ છીએ કે ગણેશજીને તમામ દેવતાઓમાં પ્રથમ પૂજનીય માનવામાં આવે છે. ત્યારે રક્ષાબંધન નિમિત્તે પણ સૌથી પહેલા શ્રીગણેશને રાખડી અર્પિત કરવી જોઇએ. ગણેશજીને લાલ રંગ પસંદ છે, તેથી માનવામાં આવે છે કે ગણેશજીને લાંલ રંગની રાખડી બાંધવાથી મુશ્કેલીઓ દૂર થાય છે અને રિદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત થાય છે.

દર વર્ષે આ ગણેશ મંદિરે આવે છે હજારો રાખડીઓ

રક્ષાબંધનના તહેવાર પર ભગવાન શ્રીગણેશને રાખડી બાંધવા માટે ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિર પાસે એક મોટું ગણેશ મંદિર છે, જ્યાં દર વર્ષે રક્ષાબંધનના દિવસે વિદેશથી હજારો રાખડીઓ આવે છે અને રક્ષાબંધનના દિવસે તમામ રાખડીઓ ગણેશજીના કાંડા પર બાંધવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, ભગવાન શિવ અને માતા પાર્વતીને સંપૂર્ણ વિશ્વના પિતા અને માતા તરીકે માનવામાં આવે છે, તેથી તેમના પુત્ર ગણેશને ભાઈ સમાન માનવામાં આવે છે. આ જ માન્યતાના આધારે વિશ્વના ખૂણે ખૂણેથી જેમ કે અમેરિકા, કેલિફોર્નિયા, મુંબઈ, કોલકાતા, દિલ્હી, જયપુર, હૈદરાબાદથી હજારો રાખડીઓ આ ગણેશ મંદિરે મોકલવામાં આવે છે. કહેવાય છે કે ઉજ્જૈનના આ મંદિરમાં જે પણ મહિલા એક વખત ભગવાન ગણેશના દર્શન માટે આવે છે, તે શ્રીગણેશને પોતાના ભાઈ બનાવી આજીવન રક્ષાબંધનના તહેવાર પર રાખડી મોકલે છે.

ભગવાન શંકર

રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહીનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે. શ્રાવણ મહિનો ભગવાન શિવનો પવિત્ર અને પૂજનીય માસ માનવામાં આવે છે. તેથી ઘણી મહીલાઓ ભગવાન શંકરને પણ રાખડી અર્પિત કરે છે.

ભગવાન વિષ્ણુ

ભગવાન વિષ્ણુને પણ આ દિવસે રાખડી બાંધવાનું ખાસ મહત્વ ગણાય છે. ભગવાન વિષ્ણુનો પ્રિય રંગ પીળો છે, તેથી તેમને પીળા રંગની રાખડી બાંધવામાં આવે છે. આ સાથે જ ભગવાન વિષ્ણુને પીળા રંગનું હળદરનું તિલક લગાવવું જોઇએ. આમ કરવાથી તમને દેવી લક્ષ્મીના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે.

ભગવાન શ્રીકૃષ્ણ

ભગવાન શ્રીકૃષ્ણ દ્રૌપદીને પોતાની બહેન માનતા હતા અને તેમની રક્ષા કરવાનું વચન આપ્યું હતું. આ કારણોસર, જ્યારે દ્રૌપદીને હસ્તિનાપુરની જાહેર સભામાં ચીરહરણ કરી લજ્જીત કરવામાં આવી હતી, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ દ્રૌપદીના સન્માનની રક્ષા કરી હતી. તેથી મહિલાઓ આ દિવસે શ્રીકૃષ્ણને રાખડી બાંધે છે.

હનુમાનજી

રક્ષાબંધનના દિવસે હનુમાનજીને રાખડી બાંધવા માટે આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને હનુમાન મંદિરે જઇને અને તમને સિંદૂર, લાલ ચંદન, લાલ ફૂલ અને ચોખા અર્પિત કરો. ત્યાર બાદ હનુમાનજીનો મંત્ર “અતુલિતબલધામં હેમશૈલાભદેહં, અનુજવનકૃશાનું જ્ઞાનિનામગ્રગણ્યમ્, સકલગુણનિધાનં વાનરાણામધીશં, રઘુપતિપ્રિયભક્તં વાતજાતં નમામિ.” બોલીને રાખડી અર્પિત કરો અને તેમને કોઇ પણ ફળનો ભોગ લગાવી ગાયના ઘીનો દીવો પ્રગટાવો.

ત્યાર બાદ પદ્માસનમાં બેસીને હનુમાન ચાલીસા, બજરંગબાણ કે હનુમાન અષ્ટકનો મનમાં જાપ કરો. માનવામાં આવે છે કે, આ રીતે હનુમાનજીને રાખડી અર્પિત કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે અને સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.

આ વર્ષે ક્યારે થશે રક્ષાબંધન?

આ વર્ષે પૂર્ણિમા તિથિ શનિવાર, 21 ઓગસ્ટ, 2021એ સાંજે 7 કલાકે શરૂ થઇ જશે, જે રવિવારે 22 ઓગસ્ટ, 2021એ સાંજે 5.31 વાગ્યા સુધી રહેશે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.