કેદારનાથ 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે, અહીં સ્વયંભૂ શિવલિંગ સ્થાપિત છે
કેદારનાથ જ્યોતિર્લિંગ કે કેદારનાથ ધામ એ ભગવાન શંકરને સમર્પિત એવું હિંદુઓનું પવિત્ર સ્થાન છે. આ સ્થળ હિમાલયની ગિરિમાળામાં ગઢવાલ ક્ષેત્રમાં ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં મંદાકિની નદીને કિનારે આવેલું છે. આ ધામ હવામાનની વિષમતાના કારણે તેમજ દુર્ગમ ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે વર્ષ દરમિયાન અક્ષયતૃતિયાથી શરૂ કરીને કાર્તિક સુદ પૂર્ણિમા સુધી દર્શન માટે ખુલ્લું રહે છે. ત્યારબાદ શિયાળાની શરૂઆત થતાં જ ભગવાનને સ્થળાંતરિત કરીને ઉખીમઠ ખાતે પૂજનઅર્ચન અર્થે લાવવામાં આવે છે. આ ક્ષેત્રનું નામ કેદારખંડ હોવાને કારણે ભગવાન સદાશિવને અહીં કેદારનાથ એટલે કે કેદારના નાથ તરીકે પૂજવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર આ મંદિર પાંડવોએ બંધાવ્યું હતું અને શ્રી આદિ શંકરાચાર્યએ તેનો પુનરોદ્ધાર કરાવ્યો હતો.
નર-નારાયણની ભક્તિથી શિવજી પ્રસન્ન થયા હતાં-કેદારનાથ ધામ સાથે જોડાયેલી અનેક માન્યતાઓ છે. શિવપુરાણની કોટીરૂદ્ર સંહિતામાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, પ્રાચીન સમયમાં બદરીવનમાં વિષ્ણુજીના અવતાર નર-નારાયણ આ ક્ષેત્રમાં પાર્થિવ શિવલિંગ બનાવીને પૂજા કરતાં હતાં. નર-નારાયણની ભક્તિથી પ્રસન્ન થઇને શિવજી પ્રકટ થયાં. શિવજીએ નર-નારાયણ પાસે વરદાન માંગવાનું કહ્યું, ત્યારે સૃષ્ટિના કલ્યાણ માટે નર-નારાયણે શિવજી હંમેશાં આ ક્ષેત્રમાં રહે તેવું વરદાન માંગ્યું. શિવજીએ કહ્યું કે, હવેથી તેઓ અહીં જ રહેશે અને આ ક્ષેત્ર કેદાર ક્ષેત્રના નામથી ઓળખવામાં આવશે.
કેદારનાથ સાથે જ નર-નારાયણના દર્શનઃ-
શિવજીએ નર-નારાયણને વરદાન આપતાં જણાવ્યું કે, જે ભક્તો કેદારનાથ સાથે જ નર-નારાયણના દર્શન કરશે, તેઓ બધા જ પાપમાંથી મુક્ત થશે અને તેમને અક્ષય પુણ્ય મળશે. શિવજી જ્યોતિ સ્વરૂપમાં અહીં સ્થિત શિવલિંગમાં સમાઇ ગયાં.
કેદારનાથ શિવલિંગ સ્વયંભૂ માનવામાં આવે છેઃ-
હિમાલયમાં સ્થિત કેદારનાથ અહીંના વાતાવરણના કારણે મોટાભાગે બંધ રહે છે. દર વર્ષે એપ્રિલથી નવેમ્બર દરમિયાન તે દર્શન માટે ખોલવામાં આવે છે. આ શિવલિંગ સ્વયંફૂ છે તેવી માન્યતા પ્રચલિત છે. સ્વયંભૂ શિવલિંગ એટલે સ્વયં પ્રકટ થયેલું. કેદારનાથ મંદિરનું નિર્માણ પાંડવ વંશના રાજા જનમેજય દ્વારા કરાવવામાં આવ્યું હતું અને આદિ ગુરુ શંકરાચાર્યે આ મંદિરનું જીર્ણોદ્ધાર કરાવ્યું હતું.
મંદિરનું સ્વરૂપઃ-
કેદારનાથ મંદિર એક ઊંચા સ્થાને બનેલું છે. મંદિરના મુખ્ય ભાગમાં મંડપ અને ગર્ભગૃહ છે. મંદિરની ચારેય બાજુ પરિક્રમા કરવાનો માર્ગ પણ છે. મંદિર પરિસરમાં શિવજીનું વાહન નંદી વિરાજમાન છે.
શિવલિંગનું પૂજન પ્રાચીન વિધિ-વિધાનથી કરવામાં આવે છે. સવારે શિવલિંગને સ્નાન કરાવવામાં આવે છે. ઘીનો લેપ લગાવવામાં આવે છે. ત્યાર બાદ ધૂપ-દીપ પ્રગટાવવામાં આવે છે, પૂજન સામગ્રીઓ અર્પણ કરવામાં આવે છે, ભોગ ધરાવવામાં આવે છે. આરતી કરવામાં આવે છે. સાંજના સમયે ભગવાનનો વિશેષ શ્રૃંગાર કરવામાં આવે છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.