10 માંથી 6 નવજાત બાળક થાય છે કમળાના શિકાર, જાણો કારણો અને અસરકારક ઉપાય…

હેલ્થ

કમળો લીવરની એક બીમારી છે, જેમાં આંખ અને ત્વચા પીળી પડી જાય છે. આ બીમારી નાના બાળકોમાં અને નવજાત શિશુઓમાં સૌથી વધારે જોવા મળે છે. મોટાભાગના બાળકો જન્મથી જ કમળાથી પીડિત હોય છે પણ તેમાં ગભરાવવાની જરૂર નથી. બે અઠવાડિયાની અંદર કમળો તેની જાતે જ સારો થઈ જાય છે. નવજાત બાળકોમાં કમળો થવો એ સામાન્ય વાત છે. ડૉક્ટર્સના જણાવ્યા અનુસાર 10માંથી 6 બાળકોને કમળો થાય છે, પણ 20માંથી ફક્ત 1 જ બાળકને તેના ઈલાજની જરૂર પડે છે.

નવજાત બાળકોમાં કમળાના કારણ :

અવિકસિત લીવર આપણા લોહીમાંથી બીલીરુબિનને સાફ કરવાનું કામ કરે છે પણ નવજાત શિશુઓમાં લીવર યોગ્ય રીતે વિકસિત નથી હોતું, જેથી બીલીરુબિનને યોગ્ય રીતે ફિલ્ટર કરવામાં મુશ્કેલી થાય છે. જ્યારે નવજાત બાળકના લોહીમાં આ તત્વની માત્રા વધી જાય છે. ત્યારે તેને કમળો થઈ જાય છે.

કમળાના લક્ષણ:

તેનું પહેલું લક્ષણ એ છે કે શરીરમાં પીળાશ દેખાવા લાગવી. બાળકનો ચહેરો કમળાના કારણે પીળો દેખાવા લાગે છે. પછી એના છાતી, પેટ, હાથ અને પગમાં પણ પીળાશ દેખાવા લાગે છે. આંખોનો સફેદ ભાગ પણ પીળો દેખાય છે. જો બાળક કમજોર દેખાય, તેને ઝાડા ઉલટી થાય, 100 ડીગ્રી કરતા વધારે તાવ આવે, પીળા રંગનો પેશાબ થાય તો તે કમળાના લક્ષણ છે.

કમળાનો ઈલાજ:

જો બાળકમાં કમળાના લક્ષણ દેખાય તો જરા પણ મોડું ન કરો. બાળરોગ નિષ્ણાંતની સલાહ લો. ડોકટર તપાસ પછી યોગ્ય દવા આપે છે. બાળકના લોહીની તપાસ થાય છે, જેમાં બીલીરુબિન અને લાલ રક્ત કણનું લેવલ ચકાસવામાં આવે છે

કમળાની અસરવાળા નવજાત બાળકને ખાસ પ્રકારના ઉપકરણમાં, બ્લૂ રંગનાં કિરણો ફેંકતી ટયુબલાઈટના પ્રકાશ હેઠળ રાખવામાં આવે છે. જેની અસરથી કમળાનો પીળો રંગ ઓસરવા લાગે છે. આશરે બેથી ચાર દિવસમાં આ ઉપકરણ બાળકને કમળાના રોગમાંથી અને હોસ્પિટલના રોકાણમાંથી મુક્ત કરે છે.

ઝડપથી વધતો કમળો, જો ફોટોથેરાપીને દાદ ન આપે તો, તેને એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝન જેવી ખાસ પ્રકારની અદ્યતન સારવાર પણ આપવી પડે છે. ખાસ કરીને નેગેટિવ- પોઝિટિવ ગ્રૂપના કારણે થતા કમળામાં એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝન કરવાની નોબત આવે છે. એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝન એટલે બાળકનું કમળાવાળું લોહી દૂર કરી તેની જગ્યાએ રક્તદાતાનું તાજું અને શુદ્ધ લોહી ચડાવવાની સારવાર.

ડોક્ટરનો સંપર્ક કરવામાં વિલંબ થાય ત્યાં સુધી,બાળકને સવારના સૂર્યપ્રકાશમાં એક કલાક ખુલ્લું રાખી સૂર્ય કિરણો શરીર પર ઝીલવાથી કમળામાં આંશિક રાહત થાય છે. આ ક્રિયા દરમિયાન તેના છાતી તથા પીઠ બંને વારાફરતી સૂર્યપ્રકાશ સામે ધરવા. કમળાગ્રસ્ત બાળકને સ્તનપાન કરાવવાનું ચાલુ જ રાખવું.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *