મહુડી જ્યાં પ્રસાદનું છે અનેરૂ મહત્વ, ધરાવાય છે લાખો મણ સુખડી

ધાર્મિક

જૈન સમુદાયના મહત્વના તહેવાર પર્યુષણનો ગુરૂવારથી પ્રારંભ થયો છે, પર્યુષણ એ જૈનત્વના સૌથી મોટા પર્વમાંનો એક છે. પર્યુષણનો સમય ગાળો આઠ દિવસનો હોય છે. આ પર્વ ચોમાસાના ચાર મહિના દરમ્યાન આવે છે, જ્યારે સાધુ સાધ્વીજીઓ ચાર માસના કાળ માટે એક સ્થળે સ્થિરવાસ રહે છે. આ અવસરે આઠ દિવસ સુધી સવાર-સાંજ સામુહિક પ્રતિક્રમણ, ભક્તામર પાઠ તેમજ સ્નાત્ર પૂજા, બપોરે સ્વાધ્યાય તેમજ બાળકો માટે ભજન તેમજ દીપ સંધ્યા પ્રતિયોગીતા પણ હોય છે. આ દિવસોમાં જૈન સમાજના લોકો પુરી ભક્તિભાવથી પૂજા વિધી કરતા હોય છે. પર્યુષણ પર્વ પણ મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકોએ ઉપવાસ સાથે આરાધના પણ કરી રહ્યા છે. નાના બાળકોથી માંડીને યુવાન, યુવતીઓ તેમજ વૃદ્ધો પણ શ્રદ્ધાભક્તિમાં લીન બન્યા છે.

આ સમયે ગુજરાતમાં આવેલા જૈનોનાં પવિત્ર ધામ પાલિતાણા અને મહુડીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. મહુડી એક બીજી રીતે પણ વિખ્યાતી પામ્યુ છે. મહુડી મંદિર સંકુલમાં બનતી સુખડીની પ્રસાદીનું પણ અનેરૂ મહત્વ માનવામાં આવે છે. અહીંયા એક માન્યતા પણ પ્રચલિત છે કે અહીંયા મળતો સુખડીનો પ્રસાદ આપણે તે મંદિરનાં પરિસરની બહાર લઈ જઈ શકતાં નથી કેમકે તેને બહાર લઈ જવાથી તે વ્યક્તિ સાથે કંઈક ખોટુ બને છે. વર્ષ દરમ્યાન ભક્તો દ્વારા અહીં લાખો મણ સુખડીનો પ્રસાદ ધરાવાય છે.

મહુડીમાંથી સુખડી બહાર કેમ લઈ નથી જવાતી?

જૈન ધર્મનું ચુસ્ત પાલન કરનાર દિલીપભાઈ કોઠારીને પુછવામાં આવેલ સવાલ મહુડીમાં આપવામાં આવી રહેલ પ્રસાદ સુખડી મંદિરમાંથી કેમ બહાર લઈ નથી જવાતી તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે આ એક જુની પરંપરા છે જે બુદ્ધિ સાગર મહારાજે મહુડીની સ્થાપના કરી ત્યારથી પ્રસાદ મંદિરમાંથી બહાર લઈ જવાનું બંધ છે. પરંતુ જે તે સમયે મહુડી અને આજુબાજુના ગામડાઓમાં દુષ્કાળ જેવી પરિસ્થિતી હતી ત્યારે બુદ્ધિ સાહેબ મહારાજે એવું નક્કી કર્યું હતું કે પ્રસાદ રૂપે આપવામાં આવી રહેલ સુખડી ગામમાંથી બહાર લઈ જવી નહીં. પરંતુ એક દિવસ એવું બન્યું કે ગામનો એક વ્યક્તિ તે સમયે પ્રસાદ રૂપે આપવામાં આવેલી સુખડી ગામની બહાર લઈ ગયો હતો ત્યારે ભગવાને પરચો દેખાડ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી સુખડી મંદિરમાંથી બહાર લઈ જવામાં આવતી નથી. નોંધનીય છે કે મહુડી જેવું વધુ એક મંદિર ગુજરાતમાં આવેલું છે જેનું નામ છે આગલોડ. ત્યાં પણ પ્રસાદ રૂપે સુખડી આપવામાં આવે છે જે મંદિરમાંથી બહાર લઈ જવાતી નથી. આજે પણ ત્યાં પરંપરા ચાલતી આવે છે.

ગાંધીનગરની લગભગ પાત્રીસ કિલોમીટરના અંતરે આવેલા મહુડી ગામમાં ઘંટાકર્ણ મહાવીર જૈનનું ભવ્ય મંદિર આવેલુ છે. મહુડી જૈનોનું પવિત્ર યાત્રાધામ છે. આ યાત્રાધામ જૈનોના ર૪ તીર્થક્ષેત્રમાંનું એક છે અને તે પણ પોતાનું વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ જૈન મંદિરનું સંકુલ લગભગ બે કિલોમીટર જેટલા વિસ્તારમાં પથરાયેલું છે. અહીંયા ઘંટાકર્ણ ભગવાનનું મુખ્ય મંદિર આવેલું છે. જેની ટોચે સોનાનો કળશ છે. આ આખું મંદિર આરસપહાણથી બનેલું છે, અહીંના દેરાસરમાં ઘંટાકર્ણજી તેમજ પદ્માવતી માતાના મંદિરોનો મહિમા મોટો છે. જૈન તેમજ જૈનેતર સમાજના હજારો યાત્રાળુઓને તહેવારો અને રજાઓના દિવસે આકર્ષે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *