ગંગા દશેરા – ગંગાજી નો પ્રાગટ્ય દિવસ, ઘરે ગંગા સ્નાન નું પુણ્ય કેવી રીતે કમાવું તે જાણો

ધાર્મિક

આ દિવસે કરવામાં આવેલાં દાન અને અનુષ્ઠાનથી પિતૃઓને સંતુષ્ટિ મળે છે

જેઠ મહિનાની દશમ તિથિએ ગંગા દશેરા ઊજવવામાં આવે છે. સ્કંદ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ દિવસે વ્યક્તિએ કોઈપણ પવિત્ર નદીમાં જઈને સ્નાન, ધ્યાન તથા દાન કરવું જોઈએ. તે શુભ અને ફળદાયી માનવામાં આવે છે. આ વર્ષે ગંગા દશેરા 20 જૂન, રવિવારના રોજ છે. અનેક જગ્યાએ આ પર્વને દસ દિવસ સુધી ઊજવવાની પરંપરા છે. પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે ભગીરથની ઘોર તપસ્યા પછી જ્યારે ગંગા ધરતી પર આવ્યાં હતાં, ત્યારે તે દિવસે જેઠ મહિનાના સુદ પક્ષની દશમ તિથિ હતી. ગંગાના ધરતી ઉપર અવતરણના દિવસને જ ગંગા દશેરાના નામથી પૂજવામાં આવે છે.

ગંગાજળ માટે શુભ ધાતુ:-

ઘણાં લોકો પ્લાસ્ટિકની બોટલમાં ગંગાજળ રાખે છે. ગંગાજળને પ્લાસ્ટિકની બોટલમાં રાખવું નહીં. તેના માટે તાંબા, ચાંદી કે સોનાના વાસણ શુભ રહે છે. ઘરના મંદિરમાં ગંગાજલી રાખો અને નિયમિત પૂજા-પાઠ કરો.

શિવલિંગ ઉપર ગંગાજળ ચઢાવવું જોઇએઃ-

રોજ નિયમિત રૂપથી શિવલિંગ પૂજા કરો અને પૂજામાં ગંગાજળથી શિવજીનો અભિષેક કરવો જોઇએ. ગંગાજળના થોડાં ટીપા લોટામાં રાખો અને તેને શિવલિંગ ઉપર ચઢાવો. ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો

આ પ્રકારે ગંગા પૂજન કરોઃ-

ગંગા દશેરાના દિવસે ગંગા કે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરો. વર્તમાન કોવિડ સમસ્યાના કારણે જો ઘરની બહાર કોઈ પવિત્ર નદીમા સ્નાન કરી શકાય નહીં તો ઘરમાં જ નાહવાના પાણીમાં ગંગા કે કોઇ નદીનું પવિત્ર જળ મિક્સ કરીને નમઃ શિવાય નારાયણ્યૈ દશહરાયૈ ગંગાયૈ નમઃ મંત્રનો જાપ 10વાર કરવો જોઈએ.
પોતાના પિતૃઓની તૃપ્તિ માટે પ્રાર્થના કરો. ગંગા દશેરાના દિવસે માતા ગંગાને 10 ફૂલ, 10 ધૂપ, 10 દિવા, 10 ફળ તથા 10 પ્રકારના નૈવેદ્ય ધરાવવામાં આવે છે. આ દિવસે 16 મુઠ્ઠી તલ લઇને તર્પણ કરવું જોઈએ.

આ દિવસે કરવામાં આવેલ દાન-અનુષ્ઠાન કાર્ય પિતૃઓને મોક્ષ અને વંશવૃદ્ધિ માટે અતિ ઉત્તમ માનવામાં આવે છે.
આ દિવસે કાળા તલ, છત્રી, ચોખા, મિષ્ઠાનનું દાન કરવું જોઈએ. પારિવારિક સમસ્યાઓથી પરેશાન લોકો ગંગામાં ઊભા રહીને 11 ફેરી કરી માતા પાસેથી સુખ-શાંતિ અને સમૃદ્ધિની કામના કરે. લાંબી બીમારીથી પીડિત લોકો માટે સ્નાન પછી બાબા વિશ્વનાથને જળ અર્પણ કરી તેમની પાસે ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાર્થના કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *