અહીં ભક્તો પત્ર લખી પોતાની સમસ્યા મોકલાવે છે
તમે કોઇ સંબંધીને કે મિત્રને તો પત્ર લખો છો પરંતુ તમને કોઇ કહે કે ભગવાનને તમારી સમસ્યાને પત્રમાં લખીને મોકલાવો તો તમારું રીએક્શન કેવું હશે? પહેલા તો આપણને મગજમાં જ ન આવે કે ભગવાનને તો કઇ રીતે પત્ર લખાય. પરંતુ ઉપલેટા તાલુકાના ઢાંક ગામે સિધ્ધિવિનાયક ગણેશ ભગવાનું મંદિર છે. જ્યાં શ્રધ્ધાથી ભક્તો પત્ર લખી પોતાની સમસ્યા મોકલાવે છે. જે પૂજારી એકાંતમાં વિઘ્નહર્તા દેવને સંભળાવે છે. એક એવી વાયકા છે કે પાંડવો જ્યારે વનવાસમાં હતા ત્યારે ઢાંક ગામેનાં ગણપતિના દિવ્ય સ્વરૂપથી પ્રભાવિત થઈ મહાપૂજા કરી હતી. સામાન્ય રીતે ગણપતિનું વાહન મુષક હોય છે, પરંતુ અહીંયા ગણેશ ભગવાન સિંહ પર સવાર છે અને સિંહાસન પર બિરાજમાન છે.
મંદિરના પૂજારી ભરતગીરી ગોસ્વામી જણાવે છે કે ‘પહેલા લગ્નની કંકોતરી વગેરે બહારગામથી મોકલાવતા હતા. બાદમાં શ્રધ્ધા દ્રઢ થતાં પત્ર વ્યવહાર શરુ થયો. આર્થિક સમસ્યા, નાના-મોટા રોગ-બીમારી, સંતાનપ્રાપ્તિ, સુખ સંપતિમાટે, બહેન-દીકરીઓના વેવિશાળ અને સુખ-દુઃખની વાતો તેમજ મુંઝવણો ભાવિકો દાદા સમક્ષ પત્રમાં લખી મોકલે છે.’આજે ઢાંકના આ ગણપતિ મંદિરમાં રોજના 50 પત્રો આવે છે. ગણેશોત્સવ દરમિયાન આ આંકડો 150 સુધી પણ પહોંચે છે.
પૂજારી કોઈની માહિતી જાહેર ન થાય તેવી રીતે દિવસ દરમિયાન એકાંતનાં સમયમાં ગણપતિ મહારાજ સમક્ષ દરેક ભક્તનો પત્ર વાંચી સંભળાવે છે. ભગવાન જે પ્રેરણા કરે, સંકેત કરે તે પ્રકારે તેમની સમસ્યાનું સમાધાન, મંત્રોપચાર ભાવિકના સરનામે વળતો પત્ર લખીને મોકલી આપે છે.
આ ગણપતિ ધામમાં સમગ્ર શિવ પરિવાર બિરાજે છે. મુખ્ય દરવાજામાં ગણપતિદાદાના મોટાભાઇ કાર્તિક સ્વામી, પછીના મંદિરમાં મહાદેવ સદાશિવ ભોળાનાથનું મંદિર, ત્યાર પછી અલૌકિક સફેદ આંકડાના મૂળમાંથી સ્વયંભૂ ગણપતિદાદાનું મંદિર આવેલું છે, બાજુમાં જ સૂમુખાય ગણપતિ દાદા બિરાજે છે.