તમારા કોઈ સ્વજનને વિદેશ જવું છે અને વિઝા નથી મળતાં ? વિઝા ઓફિસમાં વારંવાર ધક્કા ખાવા પડતાં હોય તો તમારી આ સમસ્યા હનુમાન દાદા દૂર કરી દેશે. આ વાત જાણીને આશ્ચર્ય તો જરૂરથી થશે પણ અમદાવાદ ખાતે બિરાજતાં ચમત્કારી હનુમાનજી વિદેશ જવાની ઈચ્છા રાખતાં ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે છે. આ હનુમાનજી ગુજરાતની સાથે દેશભરમાં પ્રખ્યાત થયા છે. ભક્તોનું માનવું છે કે આ હનુમાનજી તેના ભક્તોની વિદેશ યાત્રાની ઈચ્છા વિઝા અપાવી પૂર્ણ કરે છે. કષ્ટભંજનના આ પરચા લોકોને મળતાં થયા પછી આ મંદિર વિઝા હનુમાન તરીકે પ્રખ્યાત થવા લાગ્યું.
રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદનાં રેલ્વે સ્ટેશન પાસે આવેલા ખાડીયા વિસ્તારની દેસાઈની પોળમાં ચમત્કારિક હનુમાનજી મહારાજ બિરાજમાન છે. આ મંદિરની પાસે જ આવેલું છે ધોળેશ્વર મહાદેવનું અતિપ્રાચિન મંદિર છે. આ મંદિર આશરે 400 વર્ષ જૂનું હોવાની માન્યતા છે. મંદિરમાં દર્શન ભક્તોમાં રોજ સવારે 6 વાગ્યાથી ખુલી જાય છે જે ભગવાનના વિશ્રામના સમય સિવાય રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. જો કે દર શનિવારે મંદિર સવારે 6 થી રાત્રિનાં 10 વાગ્યા સુધી સતત ખુલ્લું જ રહે છે.
હનુમાન દાદની શરણમાં આવતાં દરેક ભક્તનો ઉદ્ધાર ભગવાન કરે છે. આ ચમત્કારની અનુભૂતિ અનેક ભક્તોને થઈ હોવાની પણ માન્યતા છે. ચમત્કારિક હનુમાનની કૃપાથી અનેક લોકોને સરળતાથી વિઝા મળ્યા હોવાની વાત દેશ-વિદેશમાં પણ પ્રખ્યાત થઈ છે. ભક્તો જણાવે છે કે આ હનુમાનજી શ્રદ્ધાથી તેમના શરણે આવનારને પરચો આપે જ છે.
માત્ર અમદાવાદના જ નહીં દેશભરમાંથી અનેક લોકો વિઝા મેળવવાની પ્રાર્થના સાથે અહીં દર્શનાર્થે આવે છે. વિઝા મેળવવાની ઈચ્છા રાખતાં લોકો વિઝામાં દસ્તાવેજની કાર્યવાહી શરૂ કરતાં પહેલાં દર શનિવારે હનુમાનજીનાં ચરણોમાં માથું નમાવી આર્શીવાદ લેવાનું ચુકતાં નથી. ભક્તો હનુમાનજીને પ્રસન્ન કરવા પૂજા, આરતી કરે છે અને બજરંગ બલી પણ તેના ભક્તની ઈચ્છા પૂર્ણ કરે જ છે.