800 વર્ષ પૂર્વે પાવાગઢથી મહાકાળી માતાએ ઘોઘામાં વાસ કર્યાની માન્યતા, દર્શન કરવાથી થાય છે બધા જ દુ:ખો દૂર…

ધાર્મિક

ઘોઘામાં આવેલું અને અઢારેય વર્ણના લોકોમાં આસ્થાનું અનેરૂ સ્થાન ધરાવતું મહાકાળી માતાજીનું મંદિરની સ્થાપના ૮૦૦ વર્ષ પૂર્વે થઈ હોવાની માન્યતા છે.  આ મંદિરની સ્થાપના સોની ભગતે કરી છે.  જ્યારે જૈન સમાજના પરિવારો મહાકાળી માતાને પેઢી દર પેઢીથી કુળદેવી તરીકે પૂજી રહ્યા છે.

ઘોઘાના મહાકાળી માતાજી સાથે જોડાયેલી પૌરાણિક માન્યતા પ્રમાણે પાવાગઢના મહારાજા પતાઈના પત્ની દરરોજ શંકર ભગવાની પૂજા કરવા જતા હતા. અહીં બહેનો મહાકાળી માઁ તેમજ ભદ્રકાળી માઁ પણ પધારતા હોય, નવરાત્રિમાં એક વખત મહારાણીએ બન્ને બહેનોને ગરબા મહોત્સવમાં પધારવાનું આમંત્રણ આપ્યું હતું.

ગરબા મહોત્સવમાં જવા માટે મહાકાળી માઁ અને ભદ્રકાળી માઁ વચ્ચે અંટશ થતા આખરે મહાકાળી માઁ સ્ત્રીનું સ્વરૃપ ધારણ કરી ગરબામાં પહોંચ્યા હતા. જ્યાં રાજા પતાઈએ મહાકાળી માતાજીને પોતાની પટલાણી બનાવવાનો હઠાગ્રહ કરતા મહાકાળી માઁએ તારૃ પતન થશે, મુસ્લિમોનું રાજ થશે તેવો રાજાને શ્રાપ આપી ત્યાંથી ભાવનગર તરફ નીકળી ગયા હતા. મહાકાળી માતાજી વલભીપુરના ચમારડી ખાતે પહોંચ્યા ત્યારે ડુંગર પર બેસવાથી ધાબાના નિશાન પડી ગયું હતું. જેથી આજે પણ આ ડુંગર ધાબાડુંગરે તરીકે ઓળખાય છે. અહીં કેટલીક જ્ઞાાતિઓ દ્વારા તેમના સંતાનોના નામ પાડવાની પરંપરા છે.

મહાકાળી માતાજી ચમારડીથી રબારીનું સ્વરૃપ ધારણ કરી ઓળિયા – ધોળિયા બળદ ગાડામાં બેસીને ઘોઘા આવ્યા હતા. ઘોઘા આવતા પહેલા તેઓ આજે સોનારીયા તળાવ તરીકે ઓળખાતી જગ્યાએ પોરો ખાધો હતો. જેથી ત્યાં મહાકાળી માતાજીના મંદિરની સ્થાપના કરાઈ હતી. અહીં માતાજીની પ્રેરણાથી સોની ભગતે તળાવ બંધાવતા તેનું નામ સોનારીયા તળાવ પડયું હોવાનું કહેવાઈ છે.

ત્યાં મહાકાળી માતાજી ઘોઘા ગામે પહોંચ્યા હતા. ત્યાં મહાદેવજીના ભગત સોનીને મહાકાળી માતાજીએ સ્વપ્નમાં આવી હું ગઢ પાવાની દેવ છું તેમ કહીં ક્યાં પ્રગટ થાવ ? તેમ પૂછતા સોનીએ ચૂલામાં પ્રગટ થવાનું કહેતા માતાજી ચૂલામાં પ્રગટ થઈ સમાયા હતા. માતાજીએ સાચે જ પ્રગટ થઈ પરચો પૂરો પાડયો હોવાનું જણાતા સોની ભગતે વિનંતી કરી માતાજીને ઘોઘામાં જ રોકાઈ જવા વિનમણી કરી હતી. જેથી માતાજીએ ઘોઘામાં જ વાસ કર્યો હતો. ત્યારબાદ સમય જતાં મહાકાળી માતાજી પ્રત્યે લોકોની આસ્થા અને શ્રધ્ધા વધવા માંડી.

ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી, વીર મોખડાજી ગોહિલ પણ ઘોઘાના મહાકાળી માતાજી પ્રત્યે અખૂટ શ્રધ્ધા ધરાવતા હતા. સમયાંતરે તેઓ માતાજીના દર્શને પણ જતા હતા. તમામ જ્ઞાતિના લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા સુખડી (કળા), લાપસીની બાધા રાખે છે. ઘોઘાના મહાકાળી મંદિરમાં નવરાત્રિમાં હવન, ચૌત્ર માસમાં યજ્ઞા, બ્રહ્મ – બટુક ભોજનના કાર્યક્રમ થાય છે. તેમજ પૂનમ ભરવા માટે મુંબઈ, અમદાવાદ, સુરત સહિત રાજ્ય અને દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *