કાળી ચૌદશના દિવસે કરી લો આ રીતે મંત્રનો જાપ, મળશે તમામ પાપમાંથી મુક્તિ…

ધાર્મિક

દિવાળીના મહાપર્વનો આજે બીજો દિવસ કાળી ચૌદશ છે. આ દિવસ નરક ચૌદશ તરીકે પણ ઓળખાય છે. માનવામાં આવે છે કે, આ દિવસે પરોઢિયે તેલ લગાવીને ખીજડાનાં પાનને પાણીમાં નાંખીને સ્નાન કરવાથી નરકમાંથી મુક્તિ મળે છે. વિધિ વિધાનથી પૂજા કરવાવાળી વ્યક્તિ તમામ પાપોમાંથી મુકત થઈને સ્વર્ગ પ્રાપ્ત કરે છે. આજના દિવસે શ્રદ્ધાળુઓ શક્તિપીઠ ઉપરાંત વિવિધ માતાજીના મંદિરોમાં દર્શનાર્થે ઊમટી પડે છે. જયારે હનુમાનજીનાં મંદિરોમાં પણ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. સંધ્યાકાળે લોકો દીપદાન પણ કરે છે.

કાળી ચૌદશને લઈને માન્યતા

કાળી ચૌદશ માટે આમ લોકોમાં એક ભારે ગેરસમજ પ્રવર્તે છે કે આ દિવસે કાળા જાદુ કે મેલી વિદ્યાની જ સાધના કરવામાં આવે છે, પરંતુ એવું નથી. આ દિવસે કોઈ પણ ધર્મની કોઈ પણ મંત્ર કે સાધનાનો પ્રયોગ કરવામાં આવે તો તે સામાન્ય દિવસોએ કરવામાં આવતી સાધના કરતાં વધુ સિદ્ધિદાયક નીવડે છે. પૂજાવિધિ પતિ જાય એટલે ઓછામાં ઓછો ૨૭ વાર જપ કરવો. જપ વધુ કરી શકાય તો વધુ લાભ મેળવી શકાય. ૧-૩-૫-૭-૯ કે ૧૧ માળા કરી શકાય. જપ પૂરા થયે માતાજીની આરતી કરી તેમની કૃપા, અમિદષ્ટિ મળે તે માટે પ્રાર્થના કરવી. પ્રયોગ દર વર્ષે કાળી ચૌદશે કરતા રહેવાનું છે.

હનુમાનજી, મહાકાળી અને ઘંટાકર્ણ મહાવીરની પૂજાથી થશે લાભ

આજના દિવસની પૂજાથી વર્ષ દરમ્યાન જીવનમાં દરેક ક્ષેત્રમાં શત્રુઓ, વિરોધીઓ, હરીફો ઉપર વિજય મળે છે. ધંધામાં હરીફો દ્વારા હેરાનગતિઓ થતી હોય, સરકારી વિભાગો દ્વારા બિનજરૂરી કનડગત થતી હોય, કોર્ટ-કચેરીનાં લફરાંમાં સંડોવાવું પડ્યું હોય તો આ પ્રયોગ ચમત્કારિક પરિણામ આપે છે. કાળી ચૌદશનો પ્રયોગ પત્યા બાદ દરરોજ એક માળા કે ઓછોમાં ઓછા ૨૭ વાર મંત્રનો જપ કરતા રહેવું. કાળી ચૌદશની જેમ દિવાળી પણ સિદ્ધરાત્રિ ગણાય છે. આ દિવસે વ્યાપારી ભાઈઓ, શારદાપૂજન, ચોપડાપૂજન, લક્ષ્મીપૂજન કરતા હોય છે. દિવાળીની રાત્રિએ કરવાનો એક સરળ પ્રયોગ પ્રસ્તુત છે. આજે ઘણી સાધનાઓ થશે. હનુમાન તથા મહાકાળી તથા ઘંટાકર્ણ મહાવીરની પણ આજે પૂજા થશે. મહુડીમાં આવેલું આ જૈનોના ર૪ તીર્થક્ષેત્રમાંનું એક ઘંટાકર્ણ મહાવીરનું મંદિર ગુજરાતમાં જ નહીં દેશવિદેશમાં પ્રખ્યાત છે. અને અહીં મળતી સુખડીનો પ્રસાદ તો ભાગ્યે જ કોઈ ગુજરાતીએ લીધો નહી હોય.

કકળાટ કાઢવાની પરંપરા

કાળી ચૌદશ જેને નરક ચતુર્થી પણ કહે છે. શ્રીકૃષ્ણે નરકાસુરને ક્રૂર કર્મ કરતાં અટકાવીને સોળ હજાર કન્યાઓને દુષ્ટની કેદમાંથી છોડાવીને પોતાનું શરણું આપીને તેને યમપુરી પહોંચાડી દીધો. નરકાસુર વાસઓનો સમૂહ અને અહંકારનું પ્રતીક છે. અંધકારમાંથી પ્રકાશમાં આવવા આત્મકૃષ્ણ પુકારવાથી અંધકાર (અજ્ઞાન) દૂર થશે. આ કાળરાત્રી ગણાય છે એ આ વખતે કરેલા જપ વિશેષ ફળદાયી નિવડે છે. નરકથી મુક્તિ મેળવવા નરક ચતુર્થી તરીકે મનાવાય છે. નરકાસુરે શ્રીકૃષ્ણને પ્રાર્થના કરેલી તે મુજબ તેની મૃત્યુતિથિએ સૂર્યોદય પહેલાં ઉચિત સ્નાન કરનારને નરકની પીડા નહીં ભોગવવી પડે. ત્યારથી આ મંગલ સ્નાનનું મહાત્મ્ય છે. આ રાત્રીએ નરકાસુર જેવા દૈત્ય (દુર્ગુણો)ને દૂર કરવા અડદની દાળ- શ્રીફળ-બાજરીનાં વડાં સંઘ્યા સમયે ચાર રસ્તે ચકલામાં પાણીનું કુંડાળું કરી કકળાટ કાઢવાના હેતુસર મૂકવામાં આવે છે. શિવજીને પ્રસન્ન કરવા જે ભક્ત ભોજન કરે છે તે સો યજ્ઞ કરતાં પણ વધુ પુણ્ય કમાય છે.

મહાકાલી માતાનું સ્તવન પૂજન અર્ચન નૈવેદ્યનો મહિમા

સ્વયં ભગવાન શિવે હનુમાનજીના રૂપમાં મહાનિશા- અર્ધરાત્રીએ અંજનિદેવીના ઉદરથી અવતાર ધારણ કર્યો હતો. આજે મહાકાલી માતાનું સ્તવન પૂજન અર્ચન નૈવેદ્ય ધરાવામાં આવે છે. ભૈરવની પૂજા કરવાથી કામ ક્રોધાદિ ગુણોનો સંહાર થાય છે. હનુમાનજીનું પૂજન અર્ચન ફળદાયી નિવડે છે. તાંત્રિકો માટે તો આજનો દિવસ ખૂબ જ મહત્ત્વનો છે. ઘણી જગ્યાએ આજે શાહીના ખડિયાના પૂજનની પરંપરા જળવાઈ રહી છે. ખડિયાને મંદિરનું પ્રતીક, શાહીને ભગવતીનું અધિભૌતિક સ્વરૂપ માનવામાં આવે છે. હનુમાનજીનું ષોડ્શોપચાર પૂજન કરવાથી અશુભ દૂર થાય છે. આસુરી તત્ત્વોને ઘરમાંથી કાઢવાનું પર્વ એટલે કાળીચૌદશ.

કાળીચૌદશ માટે ઉપાસના મંત્ર

ૐ હ્રીં કાલી કાલી મહાકાલી, કાલિકે પરમેશ્વરી
સર્વદુ:ખ હરેદેવી, મહાકાલી નમોસ્તુતે

અને

ૐ હરિમર્કટ મર્કટાય સર્વકાર્ય સિદ્ધિકરાય હું હનુમતે નમ:

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *