અમર ગુફામાં બિરાજમાન મહામાયા હિંગળાજ મા
માયાગીરીજીએ તપસ્યા કરતાં બલુચિસ્તાનમાંથી માતાજી ઠાંગા પર્વતે પ્રગટ થયાં હતાં
ચોટીલા પંથકના ઠાંગા વિસ્તારમાં આવેલી અમર ગુફામાં હિંગળાજ માતાજી બિરાજમાન છે. લોકવાયકા મુજબ મહાત્મા માયાગીરીજી બલુચિસ્તાનમાં યાત્રાએ ગયા ત્યારે તેઓએ તપસ્યા કરતા માતાજી પ્રસન્ન થયા હતા. આથી મહાત્માજીએ ઠાંગા વિસ્તારમાં બેસવા માટે માતાજીને આહવાન કરતા દેવદિવાળીના દિવસે માતાજી પ્રાગટ્ય થયા હતા. ઠાંગાના પર્વતે બિરાજમાન હિંગળાજ માતાજીનું મુખ્ય સ્થાન મકરાણ પ્રદેશ એટલે કે હાલના પાકિસ્તાનનાં બલુચિસ્તાનના દુર્ગમ પર્વતોમાં છે.
ચોટીલાની બાજુમાં આવેલ મહામાયા હિંગળાજ પ્રગટશક્તિ પીઠધામ જયાં આજથી 450 વર્ષ પહેલાં મહાત્મા માયાગીરીજી તપસ્યા કરતા હોવાનો ઈતિહાસ છે. મહાત્મા માયાગીરીજી વી.સં.1630ની સાલમાં હિંગળાજ પરસવા (હિંગળાજની યાત્રાએ) ગયા હતા. જ્યાં ઉપાસનામાં લીન થઇ અનાજ અને પાણીનો ત્યાગ કરીને એક પગ પર ઉભા રહીને માતાજીની કઠિન સાધના કરી હતી. આથી પ્રસન્ન થયેલ માં હિંગળાજે માયાગીરીજીને દર્શન આપીને તેમની મનોકામના પુછતા મહાત્માએ ઠાંગા ડુંગરમાં આવેલી અમર ગુફામાં આપનું સ્થાન બનાવ અને ત્યાં મને દર્શન આપો હું ત્યાં આપની સેવા પૂજા કરૂં એટલી મારી વિનંતી સ્વીકાર કરવા માંગ કરી હતી. આથી વિ.સં. 1630 ના દેવ દિવાળીએ ઠાંગા ડુંગરમાં મા હિંગળાજનું પ્રાગટ્ય થયું હતુ.
1 ) નવરાત્રીમાં મંદિર ખૂલ્લું પણ ભોજન પ્રસાદ બંધ
નવરાત્રી દરમિયાન ભક્તોના દર્શનાર્થે મંદિર ખુલ્લુ રહેશે દરરોજ મંદિરે માતાજીની સવારે અને સાંજે 7 કલાકે આરતી તથા માતાજીના વિશેષ શગણવાર કરાશ. જ્યારે નવરાત્રીમાં માતાજીના ત્રણ યજ્ઞ કરવા સાથે દર વર્ષે ભોજન પ્રસાદની વ્યવસ્થા હોય છે પરંતુ હાલ કોરોના મહામારીને લઇ યજ્ઞ અને ભોજન પ્રસાદની વ્યવસ્થા બંધ રાખવામાં આવી છે.> રજનીશગીરી ગોસ્વામી, (મંદિરના મહંત)
2 ) પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં છે માં હિંગળાજ શક્તિપીઠ
51માંથી એક શક્તિપીઠ બલૂચિસ્તાન પ્રાંતમાં છે. જ્યાં દર્શન માત્રથી જ તમામ પાપોનો અંત થઇ જાય છે. આ મંદિર સુરમ્ય પહાડીઓની તળેટીમાં છે એક પ્રાકૃતિક ગુફામાં બનાવેલું છે. તિહસમાં ઉલ્લેખ છે કે સુરમ્ય પહાડીઓની તળેટીમાં સ્થિત ગુફા મંદિર લગભગ 2000 વર્ષ જૂની છે. અહીં માણસની બનાવી કોઇ પ્રતિમા નથી પરંતુ એક માટીની વેદી છે જ્યાં એક નાના આકારની શિલાને હિંગળાજ માતાના રૂપમાં પૂજવામાં આવે છે.
3) માતાના ચમત્કારથી હવામાં લટકી ગયા
કહેવામાં આવે છે કે જ્યારે પાકિસ્તાનો જન્મ થયો ન હતો તે સમયે ભારત્ની પશ્વિમી સીમા અફઘાનિસ્તાન અને ઇરાન સાથે જોડાયેલી હતી. ત્યારથી બલૂચિસ્તાનના મુસલમાન હિંગળાજ દેવીની પૂજા કરે છે. તેમને ‘નાની’ કહીને મુસલમાન લાલ કપડું, અગરબત્તી, મીણબત્તી, અત્તર અને ચૂંદડી ચઢાવે છે. તાલિબાની કહેર અને ધાર્મિક કટ્ટરવાદના કારણે આ મંદિર પર ઘણા હુમલા પણ થયા. પરંતુ સ્થાનિક હિંદુ અને મુસલમાનોએ મળીને આ મંદિરને બચાવ્યું. કહેવામાં આવે છે કે આતંકવાદીઓએ જ્યારે આ મંદિરને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો, તો તે માતાના ચમત્કારથી હવામાં લટકી ગયા.
4) શક્તિપીઠ સુધી કેવી રીતે પહોંચાય
ચોટીલાથી કાળાસર ગામ થઈ ને મંદિર સુધી જવા માટેનો રોડ છે. ચોટીલા – રાજકોટ નેશનલ હાઈવે પર મોટી મોલડી ગામ થઈને પણ મંદિર સુધી જવાનો પાકો રસ્તો પણ છે.