આજે નિર્જળા-ભીમ એકાદશી, શું છે કથા? આ એકાદશી કરવાથી શું ફળ મળે? અને ના કરવાથી શું પાપ લાગે?

ધાર્મિક

સોમવાર તા. ૨૧ – ૬ – ૨૦૨૧ના રોજ એટલે કે આજે જેઠ માસની નિર્જળા ભીમ એકાદશી હોવાથી પૂર્ણ શ્રી સ્વામિનારાયણ – કુમકુમ – મંદિર મણિનગરના ૧૦૦ વર્ષીય મંહત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી તેની ઉજવણી કરવામાં આવશે. કોરનાના વાયરસના કારણે તેની ઓનલાઈન ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાટીકા અને જીવનપ્રાણ બાપાશ્રીની વાતોનું પઠન કરવામાં આવશે અને ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવશે.

આ નિર્જળા – ભીમ એકાદશી અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, જેઠ માસમાં શુકલ પક્ષમાં આવતી એકાદશીને નિર્જળા એકાદશી – ભીમ એકાદશી કહેવામાં આવે છે. આ જેઠ સુદ એકાદશીના રોજ નકોરડો ઉપવાસ કરવાનો હોય છે. તેનું મહત્વ એવું છે કે, આ દિવસે ભીમે પણ એકાદશી કરી હતી. ભીમ એકાદશી કરવા માટે અસમર્થ હતો છતા તેણે કરી હતી. તેની શાસ્ત્રોક્ત કથા એવી છે કે, ….

નિર્જળા – ભીમ એકાદશી કરવાનું ફળ

આ નિર્જળા – ભીમ એકાદશી અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, પદ્મ પુરાણમાં ભીમ એકાદશી એટલે કે, નિર્જળા એકાદશી કરવાનો મહિમા વર્ણવતા કહેવામાં આવ્યું છે કે, આ એકાદશી કરવાથી બ્રહ્મહત્યા કરનાર, મધપાન કરનાર, ચોરી કરનાર, ગુરુનો દ્રોહ કરનાર, સદા અસત્ય બોલનાર આદિ અનેક મહાપાપોથી મુકિત મળે છે.

– આ એકાદશી કરવાથી મેરુ અને મંદરાચળ પર્વત જેવા મોટા પાપનો કોઈ માણસ પર્વત હોય, તો પણ તેના પાપ નાશ પામી જાય છે.

– આ એકાદશી કરવાથી ભગવાનના અક્ષરધામની પ્રાપ્તિ થાય છે.

નિર્જળા – ભીમ એકાદશી ન કરવાથી લાગતું પાપ

આ નિર્જળા ભીમ એકાદશી જે કરતા નથી તેઓ આત્મદ્રોહી, પાપી, દુરાચારી અને દુષ્ટ થાય છે. અને એમના સો સો કુળ દુરાચારમાં જ રત રહે છે.

નિર્જળા – ભીમ એકાદશીની શાસ્ત્રોક્ત કથા

એક વખત ભીમે મહર્ષિ વ્યાસને કહયું કે, યુધિષ્ઠીર, કંતી દેવી, દ્રોપદી, અર્જુન, નકુલ, સહદેવ એબધા એકાદશીના દિને ભોજન કરતા નથી. અને તેઓ મને પણ તેમ કરવાનું કહે છે, પરંતુ હું ભૂખ્યો રહી શકતો જ નથી. તો વગર ઉપવાસે એકાદશીનું ફળ મળે તેવો ઉપાય બતાવો.

– ત્યારે મહર્ષિ વ્યાસે કહયું કે,તારે સ્વર્ગમાં જવું હોય અને નરકમાં ના જવું હોય તો બારે માસની ૨૪ એકાદશી કરવી જ પડશે.

– ત્યારે ભીમે કહયુ કે, હે પિતામહ,હું એકવાર પણ ભોજન કર્યા વગર રહી શકતો નથી.તો હું ઉપવાસ કેવી રીતે કરું? મારા જઠરમાં વૃક જમાનો અગ્નિ સદા પ્રજવલિત રહે છે. બહુ જ ખોરાક ખાઉં ત્યારે જ શાંત થાય છે. તેથી બહુ બહુ તો વર્ષમાં એક ઉપવાસ કરી શકે, તો તમે મને એ કહો કે, કયા માસમાં કઈ તિથિએ ઉપવાસ કરું, જેથી મારુ કલ્યાણ થાય.

– ત્યારે મહર્ષિ વ્યાસે કહયું કે, જેઠમાસમાં શુકલપક્ષની એકાદશીએ નકરોડો -ઉપાવાસ કરવો – પાણી પણ પીવું નહી એવી રીતે ઉપવાસ કરવાથી બારેમાસની ર૪ એકાદશીનું ફળ મળે છે. તો તારે એ રીતે આ એકાદશી એ ઉપવાસ કરવો. અને બારસના દિવસે સ્નાનાદીક કરીને, બ્રાહ્મણોને વિધિપૂર્વક જલ અને સુવર્ણનું દાન કરીને ભોજન કરાવવું, પછી તારે ભોજન કરવું એમ વ્રત કરીશ તો તને ૨૪ એકાદશીનું ફળ મળી જશે.

– આ પ્રમાણે વ્યાસજીની આજ્ઞા અનુસાર આ રીતે ભીમે અને પાંડવોએ એકાદશી કરી હતી ત્યારથી તેનું નામ ભીમ એકાદશી પડયું છે. અને તેને નિર્જળા એકાદશી કહેવાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *