મહર્ષિ વાલ્મિકી પહેલાં કોણે લખી હતી રામાયણ, કેમ ન થઈ પ્રસિદ્ધ
રામાયણ એ મહાગ્રંથ છે સામાન્ય રીતે તે દરેક હિંદુ ઘરમાં જોવા મળતી હોય છે. રામાયણ કોણે લખી હતી એમ જ્યારે તમે બેઘડક કહી દેશો કે ઋષિ વાલ્મિકીએ.. પણ તેમના પહેલાં રામાયણ લખાઈ હતી એ વિશે શું તમે જાણો છો. બહું ઓછા લોકોને ખબર છે કે ઋષિ વાલ્મિકી પહેલાં રામાયણની રચના કરનારા એટલ કે રચયિતા ખુદ મહાબલી હનુમાનજી હતા. આ રામાયણ વિશેષ પ્રસિદ્ધ નથી આમછતાં તે આજે પણ હનુમદ રામાયણ તરીકે વિખ્યાત છે. જી હા… આ વાત સત્ય છે કે સૌથી પહેલાં રામાયણની રચના હનુમાનજીએ કરી હતી. જો કે તેમણે એ રામાયણને સમુદ્રમાં ફેંકી દીધી હતી. આખરે એવું તે શું કારણ હતું કે તેમણે આમ કર્યુ. તો આવો જાણો તે વિશેની કથા વિશે…
શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે સૌથી પહેલાં રામાયણ હનુમાનજીએ લખી હતી. તેમણે આ રામાયણ એક પહાડ પર લખી હતી. તે પણ પોતાના નખથી. વાલ્મિકીએ રામાયણની રચના કરી તે પહેલાં તે લખવામાં આવી હતી. તેને હનુમદ રામાયણ તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે જ્યારે રામજીએ લંકા પર વિજય પ્રાપ્ત કરીને અયોધ્યા જઈને પોતાનું રાજપાટ સંભાળ્યું તે દરમિયાન હનુમાનજીએ રામાયણની રચના કરી હતી.
તે પછી ઘણો સમય વિત્યો હશે ત્યારે વાલ્મિકીજી રચિત રામાયણ પ્રકાશમાં આવી. ઋષિ વાલ્મિકી તેની પુષ્ટિ કરાવવા માટે જ્યારે ભગવાન શિવજીની પાસે ગયા ત્યારે હનુમાનજી દ્વારા લિખિત હનુમદ રામાયણ વિશે તેમને જ્ઞાત થયું. તેમને પોતાની લખેલી રામાયણ સાવ નાની લાગવા લાગી. તે ઘણાં જ ઉદાસ થઈ ગયાં. તેમની ઉદાસીનતા વિશે જ્યારે હનુમાનજીને જાણ થઈ ત્યારે તેમણે કહ્યું કે તે તો પોતે નિઃસ્વાર્થ થઈને રામની ભક્તિમાં રચ્યા રહેનારા છે. વિશ્વમાં તમારી જ રામાયણ વિખ્યાત થશે. તમામ લોકોમાં તે જાણીતી બનશે…એટલું કહીને હનુમાનજીએ તેમના દ્વારા રચિત રામાયણને દરિયામાં ફેંકી દીધી.
હનુમાનજીના આટલા મોટાં ત્યાગને જોઈને વાલ્મિકીએ કહ્યું કે તમારાથી મોટો કોઈ રામ ભક્ત નથી. ન તો તમારાથી કોઈ મોટો દાનવીર. આપ તો મહાનથી પણ અત્યંત ઉપર છો. આપના ગુણગાન માટે મારે કળિયુગમાં એક જન્મ બીજો લેવો પડશે…
વાલ્મિકી બીજા જન્મમાં સંત ગોસ્વામી તુલસીદાસ તરીકે જન્મ્યા. હનુમાનજી તેમને મળવા અવાર નવાર આવતા. તેમના પ્રયત્નોથી જ તુલસીદાસ રામના દર્શન કરી શક્યા હતા. તુલસીદાસજીએ રામચરિતમાનસની રચના કરી. આ મહાકાવ્ય તેમણે હનુમાનજીની મદદથી પૂર્ણ કર્યું. આજના સમયમાં પણ રામચરિત માનસમાં વર્ણિત સુંદરકાંડ અને હનુમાન ચાલીસાથી મોટી કોઈ હનુમાનજીની સ્તુતિ નથી.