ખોડિયાર મંદિર ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં રાજપરા ગામે આવેલું છે. જે ભાવનગરથી ૧૫ કિમી. તથા સિહોરથી ૪ કિમી.ના અંતરે ભાવનગર-રાજકોટ હાઈવે પર આ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરની સામે જ પાણીનો ધરો આવેલો છે, જે તાંતણિયા ધરા તરીકે પ્રખ્યાત છે. જેથી આ મંદિર તાંતણિયા ધરાવાળા ખોડિયાર અથવા રાજપરાવાળા ખોડિયાર તરીકે ભારતભરમાં પ્રખ્યાત છે. આ મંદિર ચોતરફ કુદરતી સૌંદર્ય વચ્ચે ઘેરાયેલું રમણીય ધાર્મિક સ્થળ છે.
માતા ખોડિયારની કથા
ખોડિયાર માતા હિંદુ ધર્મનાં એક દેવી છે. ખોડિયાર માતાજી ચારણ કન્યા હતાં. તેમના પિતાનું નામ મામડિયા (મામૈયા) અને માતાનું નામ દેવળબા (મીણબાઈ) હતું. તેઓ કુલ સાત બહેનો અને એક ભાઈ હતાં. જેઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોડબાઈ, સાંસાઈ, જાનબાઈ (ખોડિયાર) અને ભાઈ મેરખિયો.
જાનબાઈનો જન્મ આશરે સાતમ મહા સુદ આઠમના દિવસે થયો હતો. આ દિવસે ખોડિયાર જયંતી ઊજવવામાં આવે છે. જાનબાઈનું નામ ખોડિયાર કેવી રીતે પડયું તેના વિશે પણ એક લોકકથા પ્રચલિત છે. એક વખત મામડિયા ચારણના સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખૂબ જ ઝેરી ગણાય તેવા સાપે ડંખ ભર્યો. તેની જાણ મળતાં જ તેનાં માતા-પિતા અને સાતેય બહેનોનો ગભરાઈ ગઈ અને ઝેર કેવી રીતે ઊતરે તેનો ઉપાય શોધવા લાગી.
તેવામાં કોઈએ ઉપાય કહ્યો કે, પાતાળલોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઊગે તે પહેલાં લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચે તેમ છે. આ વાત સાંભળીને સૌથી નાનાં બહેન જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયાં. તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતાં હતાં, ત્યારે તેમને પગમાં ઠેસ વાગી અને તેમને ચાલવામાં તકલીફ પડી.
આમ ઠેસ વાગવાથી બાઈ પાસે રહેલી બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડિ તો નથી થઈને? ત્યારે ઝડપથી કુંભ લઈને ભાઈ પાસે આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી. જ્યારે તેઓ કુંભ લઈને આવ્યાં ત્યારે ખોડાતાં ખોડાતાં આવતાં હતાં. તેથી તેમનું નામ ખોડિયાર પડયું અને મગર તેમનું વાહન બન્યો. આજે જાનબાઈને ભાવિભક્તો આઈ ખોડિયાર તરીકે પૂજે છે.
ઈતિહાસ
રાજપરાનું આ ખોડિયાર મંદિર સૌપ્રથમ આતાભાઈ ગોહિલે બંધાવ્યું હતું. ત્યારબાદ ઈ.સ.૧૯૧૪ની આસપાસ ભાવનગરના રાજવી ભાવસિંહજી ગોહિલે આ મંદિરનું સમારકામ કરાવીને તેમાં સુધારા કર્યા હતા. અહીં આઈ ખોડિયાર માતાજીને સોનાનું છત્ર ભાવસિંહજીએ ચડાવ્યું હતું. કહેવાય છે કે તાંતણિયા ધરાવાળા સ્થળે માતા ખોડિયાર પ્રગટ થયાં હતાં. માઈભક્તો દર રવિવારે અને મંગળવારે આ શક્તિના તીર્થધામે આવી માતાજીની કૃપા મેળવવા પૂજન-અર્ચન-પાઠ-વિધિ કરે છે.
પૌરાણિક કથા
ભાવનગરના ગોહિલ વંશના પ્રજાવત્સલ રાજવી પોતાના વંશનાં કુળદેવી ખોડિયાર માતાનું સ્થાનક રાજધાનીમાં કરવા ઈચ્છુક હતા. જેથી આ રાજવીએ રાજપરા નજીક ખોડિયાર માતાજીને ભાવનગર આવવા પ્રસન્ન કર્યાં હતાં. માતાજીએ પ્રસન્ન થઈને શરત રાખી કે હું તારી પાછળ-પાછળ આવીશ પણ તારે પાછું વળીને જોવાનું નહીં. જેથી મહારાજા આગળ-આગળ અને પાછળ આ ભક્તવત્સલ માતાજી ચાલતાં હતાં.
આમ, રાજાની સાથે આવેલો રસાલો હાલના ભાવનગર બાજુ આગળ ને આગળ ચાલ્યો જતો હતો, પણ વરતેજ આવ્યું ત્યારે મહારાજાના મનમાં સંશય જાગ્યો કે ખોડિયાર માતા પાછળ આવે છે કે નહીં? આ પ્રશ્નના નિરાકરણ માટે શંકા વધુ ને વધુ ગાઢ થતાં આખરે મહારાજાએ પાછું વળીને જોયું. પછી ત્યાં એટલે કે આ જ સ્થળે માતાજી સમાઈ ગયાં. આ સ્થળે માતાજીનું સ્થાનક થયું તે આજે વરતેજ નજીકનું સુપ્રસિદ્ધ નાની ખોડિયાર મંદિર.
રાજપરા મંદિર નારી ચોકડીથી ૯ કિલોમીટરના અંતરે આવેલું છે, રાજપરા ખોડિયાર મંદિર તરફ ભાવનગરથી ચાલીને જતાં દરેક માઈભક્તો નાની ખોડિયાર મંદિર અચૂક દર્શનાર્થે જાય છે. આમ, રાજપરા ખોડિયાર મંદિર એ માતાજીનું પ્રાગટય સ્થાન સમાન મોટું તીર્થ છે. અને નાની ખોડિયાર મંદિર એ માતાજી જ્યાં સમાયાં તે સ્થાનક છે.