ગુજરાતના પાટનગર ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં દર વર્ષે નવરાત્રિના અંતિમ દિવસે વરદાયિની માતાની પલ્લી નીકાળવામાં આવે છે. જેમાં ઘીની નદીઓ વહે છે. અહી એવી માન્યતા છે કે, જો પૂરી શ્રદ્ધા સાથે વરદાયિની માતાને ઘી ચડાવવામાં આવે, તો તે ભક્તની તમામ મનોકામના પૂર્ણ થાય છે. આ વર્ષે રૂપાલમાં કોવિડ ગાઈડલાઈન્સના પાલન સાથે વરદાયિની માતાજીની પલ્લી નીકાળવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે આ વર્ષે પલ્લીનો મેળો નહીં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ અંગે વરદાયિની માતાજીના મંદિરના ટ્રસ્ટી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, વર્ષોથી ચાલતી પરંપરા જાળવવા માટે આ વખતે પણ વરદાયિની માતાની પલ્લી નીકાળવામાં આવશે.
આ વર્ષે પણ દર વર્ષની જેમ નવરાત્રિની નોમના દિવસે માતાજીની પલ્લી મર્યાદિત લોકોની હાજરીમાં નીકળશે. માતાજીની આ પલ્લીમાં ઘી ચડાવવાનો રિવાજ છે. જો કે આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને રૂપાલની પલ્લીનો મેળો નહીં યોજવાનો નિર્ણય લેવાયો છે.
શું હોય છે પલ્લી?
માતાજીની પલ્લી એક પ્રકારે લાકડીથી બનાવેલું માળખું હોય છે. જેમાં 5 જ્યોત હોય છે. જેના પર ઘીનો અભિષેક કરવામાં આવે છે. મોટાભાગે માતાની જ્યોતમાં ઘી અર્પણ કરવામાં આવે છે, પરંતુ પલ્લીના પર્વમાં જે પ્રકારે ઘીનો અભિષેક કરવામાં આવે છે, તે અનોખો હોય છે. નવરાત્રિના નોમની રાત્રે માતા વરદાયિનીની રથયાત્રા આખા ગામમાં ફરે છે. આ દરમિયાન શ્રદ્ધાળુ માઁના દર્શન કરે છે અને ડોલ ભરીને ઘી માતાજીને અર્પણ કરે છે. રૂપાલ ગામમાં ઠેર-ઠેર મોટા – મોટા પીપળા અને વાસણોમાં ઘી ભરીને રાખવામાં આવે છે. જેવી પલ્લી ત્યાંથી પસાર થાય, ત્યારે લોકો ઘીને માતાની પલ્લી પણ અભિષેક કરે છે.
અભિષેક બાદ જે ઘી જમીન પર ઢોળાય છે, તેના પર આ ગામના એક ખાસ સમુદાયનો હક્ક રહે છે. આ સમુદાયના લોકો આ ઘી એકઠું કરીને તેનો ઉપયોગ કરે છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.