બહુચરાજી તાલુકાના મોઢેરામાં પાંડવકાલીન પહેલાનું પ્રાચીન સ્વયંભૂ મોઢેશ્વર મહાદેવ મંદિર આવેલું છે જેની પૂજા અર્ચના યુધિષ્ઠિરે પણ કરી હોવાની લોક માન્યતા સંકળાયેલી છે.આ શિવાલય અંદાજે 1500 થી 2000 વર્ષ જૂનું હોવાની માનવામાં આવે છે.
બહુચરાજી તાલુકાનું મોઢેરા ગામ ઐતિહાસિક વારસા સાથે સંકળાયેલું પ્રાચીન નગર માનવામાં આવે છે જેનું ઉત્તમ ઉદાહરણ મોઢેરા ખાતેનું સૂર્ય મંદિર કહી શકાય. આ ગામમાંથી પુરાતન અવશેષો પણ મળી આવતા જોવા મળે છે. એવું કહેવાય છે કે હાલનું મોઢેરા ગામ કુદરતી હોનારતોનું કાળક્રમે 4 વખત ભોગ બન્યું હોવાનું કહેવાય છે. આ ગામની ચારે દિશામાં પ્રાચીન શિવાલયો આવેલા હતા, જેમાં હાલના સૂર્યમંદિર પાસેનું શિવાલય, મોઢેશ્વરી માતાજી મંદિર પાસેના ધર્મેશ્વર મહાદેવ અને આ મોઢેશ્વર મહાદેવ ખુબ પ્રચલિત છે. ચાર શિવાલય માના એક શિવાલયને હજુ શોધી શકાયું નથી.
મોઢેરા આજુ બાજુના પંથકને હીડિંબા વન તરીકે અને ધર્મરણ્ય તરીકે ઓળખવામાં આવે છે. પાંડવો જ્યારે અજ્ઞાત વાસમાં નીકળ્યા ત્યારે શિવજીની પૂજા બાદ જ ભોજન ગ્રહણ કરવાની ટેક પુરી કરવા અનેક શિવલિંગની સ્થાપના તેમજ પૂજા અર્ચના કરી હોવાની માન્યતાઓ છે. જેમાં આ સ્થાનકમાં પણ યુધિષ્ઠિર તેમજ પાંડવો દ્વારા દેવાધિદેવ મહાદેવની પૂજા કરવામાં આવી હતી. આમ આ શિવલિંગ અન્યથી અલગ અને કદમાં પણ મોટું છે. આ શિવલિંગની પૂજા અર્ચનાથી તમામ દુઃખો દૂર થાય છે.
1500 વર્ષ જુના આ મોઢેશ્વર શિવાલયની ખાસ વિશેષતા એ છે કે આ શિવલિંગ ભૂખરા સફેદ કાંકરિયા પથ્થર માંથી બનેલું જોવા મળે છે. જેની હાઈટ અને પહોળાઈ પણ વિશેષ જોવા મળે છે. મોઢેરાના પ્રસિદ્ધ સૂર્યમંદિરને નિહાળવા આવતા ભારતભરના શ્રદ્ધાળુઓ અવશ્ય આ મંદિરની મુલાકાત લઇ દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ પ્રાચીન મોઢેશ્વર મહાદેવ મોઢેરા ગામના લોકો તેમજ આસપાસના બહુચરાજી સહિતના પંથકમાં ખુબજ લોકપ્રિય તેમજ આસ્થાનું કેન્દ્ર બન્યું છે.
મોઢેશ્વર દાદાના દર્શનાર્થે આવતા લોકો અનેક મનોકામના સાથે દર્શનાર્થે આવતા હોય છે તમામની મનોકામના આ પવિત્ર જગ્યાએ ચોક્ક્સપણે પરિપૂર્ણ થાય છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.