શું તમને ખબર છે કે શા માટે થાય છે જગન્નાથજીનો જ્યેષ્ઠાભિષેક ? આ રસપ્રદ કથા

ઇતિહાસ

જગન્નાથજીનો જ્યેષ્ઠાભિષેક થાય છે શા માટે ? અને શા માટે જેઠ માસમાં જ પ્રભુ પર કરવામાં આવે છે જળાભિષેક ?

દર વર્ષે જેઠ સુદ પૂર્ણિમાના રોજ પ્રભુ જગન્નાથજીનો જ્યેષ્ઠાભિષેક થાય છે. તો, જગન્નાથજીના મુખ્ય ધામ પુરીમાં આ જ દિવસે પ્રભુની સ્નાનયાત્રા નિકળે છે. પણ, પ્રશ્ન તો એ છે કે જગન્નાથજીનો જ્યેષ્ઠાભિષેક થાય છે શા માટે ? અને શા માટે જેઠ માસમાં જ પ્રભુ પર કરવામાં આવે છે જળાભિષેક ? આવો, આજે તે સંબંધી રોચક કથાનક જાણીએ.

દંતકથા અનુસાર શ્રીકૃષ્ણ વ્રજવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય હતા. કહો કે વ્રજવાસીઓ માટે તો શ્રીકૃષ્ણ જ તેમનું જીવન હતા. ત્યારે વૃદ્ધાવસ્થાએ પહોંચેલા નંદબાબાને વિચાર આવ્યો કે….

“આ જ યોગ્ય સમય છે. હું મારા પુત્ર કૃષ્ણને મારી જગ્યાએ વ્રજનો રાજા બનાવી દઉં. તેનો રાજ્યાભિષેક કરી દઉં !”

નંદબાબાએ તો તરત જ કુળગુરુ ગર્ગાચાર્યજી આગળ તેમનો વિચાર અભિવ્યક્ત કર્યો. અને ગર્ગાચાર્યજીએ જેઠ સુદ પૂનમનું મુહૂર્ત કાઢ્યું. શ્રીકૃષ્ણના રાજ્યાભિષેક માટે બધી જ પવિત્ર નદીઓના જળ મંગાવવામાં આવ્યા. જેઠ સુદ પૂનમના રોજ શ્રીકૃષ્ણને સફેદ ધોતી અને સફેદ ઉપરણું પહેરાવવામાં આવ્યું. ત્યારબાદ પવિત્ર નદીઓના જળથી તેમનો અભિષેક કરવામાં આવ્યો. આ સમયે ઋષિમુનિઓએ પુરૂષસુક્તના મંત્રોચ્ચાર કર્યા. અને શ્રીનંદરાયજીએ તેમના પુત્ર શ્રીકૃષ્ણનો રાજ્યાભિષેક કર્યો.

શ્રીકૃષ્ણ પર થયેલો આ અભિષેક જ્યેષ્ઠા નક્ષત્રમાં થયો હોઈ તે ‘જ્યેષ્ઠાભિષેક’ તરીકે પ્રસિદ્ધ થયો. આ અભિષેકથી ‘વ્રજકુંવર’….. ‘વ્રજરાજ’ બન્યા હતા. અને એટલે જ જેઠ સુદ પૂનમે દેવને જ્યેષ્ઠાભિષેક કરવાનો વિશેષ મહિમા છે. આમ તો, શ્રીકૃષ્ણ સંબંધી મોટાભાગના મંદિરોમાં જેઠ સુદ પૂનમે પ્રભુ પર જ્યેષ્ઠાભિષેક થાય જ છે. પરંતુ, જગન્નાથજી તો સ્વયં શ્રીકૃષ્ણનું જ કળિયુગી સ્વરૂપ મનાય છે. શ્રીકૃષ્ણ જ કળિયુગમાં જગન્નાથજી રૂપે સાક્ષાત વિદ્યમાન થયા છે અને એટલે જ તેમના જ્યેષ્ઠાભિષેકનો સવિશેષ મહિમા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *