એક એવું દિવ્ય શિવલિંગ જેના 40 વર્ષે એકવાર થાય છે દર્શન જાણો આ ચમત્કારી શિવલિંગ વિશે

ધાર્મિક

આજે આપણે કર્ણાટકમાં આવેલા ગોકર્ણના મહાબલેશ્વર મંદિરની યાત્રા અંગે માહિતી મેળવીશું. ગોકર્ણ મહાબલેશ્વર મંદિર કર્ણાટક રાજ્યના મેંગ્લોર શહેર પાસે કુમ્તા તાલુકામાં આવેલું છે. મંદિરના કારણે આસપાસ એક આખું ગામ વસી ગયું છે. તેને પણ ગોકર્ણ તરીકેની જ ઓળખ મળી છે. દરિયાકિનારાની નજીક આવેલું મહાબલેશ્વર મંદિર ગોકર્ણનાં પ્રાચીન અને સૌથી પ્રસિદ્ધ મંદિરોમાંનું એક છે.

આ મંદિરમાં આવેલું ભગવાન શિવ-શંકરનું શિવલિંગ સૌથી પ્રાચીન અને અસલી હોવાની માન્યતા છે. તેથી આ શિવલિંગ આત્મલિંગ તરીકે પણ ઓળખાય છે. ગોકર્ણ દેશનાં સાત મહત્ત્વનાં પવિત્ર મોક્ષધામોમાંનું એક છે. તે અઘનાશિની નદીના એક સમયના નિર્જન કિનારે સ્વયંભૂ સર્જાયેલું હોવાની પણ માન્યતા છે. તેને દક્ષિણના કાશી તરીકેની ઓળખ પણ મળી છે.

ગોકર્ણ નામ પાછળની કથા એવી છે કે અહીં વહેતી ગંગાવલિ અને અઘનાશિની નદીના સંગમસ્થાને ગાયના કાન જેવો આકાર રચાય છે. ગાયના કાનમાંથી ભગવાન શિવ સ્વયંભૂ પ્રગટ થયા હોવાથી તેનું નામ ગોકર્ણ પ્રચલિત થઈ ગયું છે. અહીં ગાયને ધરતી માતાનું પ્રતીક માનીને આ નામકરણ કરવામાં આવ્યું છે.

શું છે મંદિરનો ઇતિહાસ ?

ઐતિહાસિક સંદર્ભ તપાસતાં આ મંદિર ૧૫૦૦ વર્ષ જૂનું હોવાનું મનાય છે. કહેવાય છે કે અહીં આવેલા ૬ ફૂટ ઊંચા શિવલિંગનાં દર્શન ૪૦ વર્ષમાં માત્ર એક વાર થાય છે. મંદિરની વચ્ચોવચ આવેલા એક છિદ્રમાંથી મંદિરમાં સ્થિત શિવલિંગનાં દર્શન કરી શકાય છે. ખાસ કરીને નવરાત્રીના સમયમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે.

રાવણની માતાના કારણે આત્મલિંગ?

કેટલાક વિદ્વાનોનો મત છે કે રાવણની માતા શ્રીલંકાના દરિયાકિનારાની રેતીમાંથી શિવલિંગ બનાવીને નિયમિત પૂજા કરતી હતી. નિત્યક્રમ મુજબ તે દરિયાકિનારે આવતી અને શિવજીની પૂજા કરતી. એક દિવસની મહાભરતીના કારણે તેમનું આ શિવલિંગ દરિયાની લહેરોમાં વહી ગયું. જેથી તેઓ ખૂબ જ દુઃખી થયા. પોતાની માતાને સંતુષ્ટ કરવા રાવણ કૈલાશ ગયો અને ત્યાં તપસ્યા કરીને ભગવાન શંકર પાસેથી શિવલિંગ મેળવ્યું. શિવજીએ લિંગ આપતી વખતે રાવણને સાવધાન કર્યો હતો કે આ શિવલિંગની તારે જ્યાં સ્થાપના કરવી હોય ત્યાં જ ધરતી પર મૂકજે. જ્યાં તું આને ધરતી ઉપર મૂકીશ ત્યાં જ લિંગ સ્થાયી થઈ જશે.

રાવણે આત્મલિંગ મેળવ્યું!

શિવલિંગ લઈ શ્રીલંકા પાછા ફરતાં રાવણ જ્યારે ગોકર્ણ પહોંચ્યો ત્યારે સાંજ થઈ ચૂકી હતી. રાવણના હાથમાં શિવલિંગ જોઈને દેવતા ખૂબ ચિંતિત થયા. મહાવિષ્ણુને ખબર હતી કે રાવણ સાંધ્યવંદનાનો ચુસ્ત સમયપાલન સાથે અમલ કરે છે. તે એક ક્ષણ પણ આગળપાછળ થવા દેતો નથી. રાવણ ગોકર્ણ પહોંચ્યો ત્યારે મહાવિષ્ણુએ પોતાના સુદર્શન વડે સૂર્યને વહેલો ઢાંકી દીધો. રાવણ મૂંઝાયો. સાંધ્યવંદના ચૂકી ન શકાય અને શિવલિંગ નીચે પણ ન મૂકી શકાય. ત્યાં જ રાવણને એક બાળબ્રહ્મચારી જોવા મળ્યો. રાવણે આ શિવલિંગ બ્રહ્મચારીના હાથમાં મૂકીને કહ્યું, હું હમણાં જ સાંધ્યવંદના સંપન્ન કરીને આવું છું. આમ કહી રાવણ પવિત્ર થઈ સાંધ્યવંદનામાં લીન થઈ ગયો.

દેવતાઓએ તેને પાછું લીધું

બાળબ્રહ્મચારી ખરેખર તો દેવતાઓની વિનવણીથી અહીં આ સ્વરૂપમાં પ્રગટ થયેલા ગણેશ હતા. ગણેશજીએ ત્રણ વાર નામ લઈને રાવણને બોલાવીને કહ્યું, શિવલિંગ ખૂબ ભારે થઈ ગયું છે, મારાથી ઊંચકાતું નથી. રાવણે એની વાત ન સાંભળતાં બાળબ્રહ્મચારી બનેલા ગણેશે શિવલિંગ જમીન પર મૂકી દીધું. રાવણ જ્યારે સાંધ્યવંદના કરીને પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે શિવલિંગ તો ધરતી ઉપર છે.

તે ક્રોધે ભરાયો. બાળબ્રહ્મચારીએ કહ્યું, એ ખૂબ જ ભારે હતું. હું લાંબો સમય ઉપાડીને શી રીતે રાખું. મેં ત્રણ વખત તમને સાદ પણ દીધો હતો. રાવણે શિવલિંગને ઉઠાવવા ખૂબ જ પ્રયાસ કર્યા પણ તે ઉઠાવી જ શક્યો નહીં. શિવલિંગ તો અહીં સ્થાયી થઈ ગયું હતું. રાવણે નિરાશ થઈને ગણેશજીના માથા પર પ્રહાર કર્યો અને ગણેશજી ત્યાંથી ૪૦ ફૂટ દૂર જઈને ઊભા રહી ગયા.

બરાબર ત્યારે ભગવાન શંકરે પ્રગટ થઈને ગણેશજીને આશ્વાસન અને વરદાન આપ્યું કે, તમારાં દર્શન કર્યા વગર જે મારી પૂજા કે દર્શન કરશે તો તેને પુણ્યનું ફળ મળશે નહીં. ગણેશજીએ શિવલિંગની સ્થાપના કરાવી હોઈ તેમના નામે આ મંદિરનું નિર્માણ કરાયું હતું, પરંતુ અહીંની ભૂગોળના ગોકર્ણ આકારના કારણે તેની ઓળખ બદલાઈ ગઈ અને આજે તે ગોકર્ણ મહાબલેશ્વર સ્વરૂપે ઓળખાય છે.

ગાયના કાનમાં કહો તો માનતા પૂર્ણ થાય

એવી પણ માન્યતા છે કે આપણી જે પણ ઈચ્છા હોય તેને ગાયના કાનમાં કહીએ તો તે પણ પૂરી થઈ જાય છે. અહીં તમામ દેવતા, મુનિ, ગંધર્વ, મનુષ્ય, ભૂત, પિશાચ, નાગ વગેરે આદિ ભગવાન શંકરની આરાધના કરે છે. કહેવાય છે કે જે વ્યક્તિ ત્રણ રાત સુધી અહીં ઉપવાસ કરીને ભગવાન શિવની પૂજા-અર્ચના કરે તેને ૧૦ અશ્વમેધ યજ્ઞાનું ફળ મળે છે. જ્યારે ૧૨ રાત સુધી ઉપવાસ કરનારા ધન્ય થઈ જાય છે.

આસપાસનાં મહત્ત્વનાં મંદિર

આ સિવાય અહીં ઉમા માહેશ્વરી મંદિર, ભદ્રકાળી મંદિર, વરદરાજ મંદિર, તામ્રગૌરી મંદિર, સનમુખ મંદિર પણ આવેલું છે. ઉપરાંત સેજેશ્વર, ગુણવંતેશ્વર, ગુરુદેશ્વર, મુરુદેશ્વર અને ધારેશ્વર મંદિર પણ આવેલું છે. મહાબલેશ્વર અને આ ચારેય મંદિરોને પંચ મહાક્ષેત્રના નામથી પણ ઓળખવામાં આવે છે.

 

Leave a Reply

Your email address will not be published.