આ રીતે થઈ હતી કાળ ભૈરવની ઉત્પત્તિઃ જાણો પૌરાણિક કથા, મહત્ત્વ અને માન્યતા…

ધાર્મિક

ભૈરવજીની ઉત્પત્તિ કથા

એક કથા અનુસાર બ્રહ્માજીએ સમગ્ર સૃષ્ટિની રચના કરી. તે સમયે પૃથ્વી પર કોઈનું મૃત્યુ થતું ન હતું તેથી પૃથ્વી પર સતત ભાર વધવા લાગ્યો અને પૃથ્વી બ્રહ્માજી પાસે ગઈ. પૃથ્વીએ કહ્યું કે, હું આટલો ભાર સહન નહીં કરી શકું. ત્યારે બ્રહ્માજીએ મૃત્યુને લાલ ધ્વજ પકડેલી સ્ત્રી સ્વરૂપે ઉત્પન્ન કરી અને તેને આદેશ આપ્યો કે પ્રાણીઓના જીવ લેવાનું દાયિત્વ સંભાળ, પરંતુ મૃત્યુએ એવું કરવાની ના પાડી. તેણે કહ્યું કે હું આવું પાપ ન કરી શકું ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે, તારે તો માત્ર તેમના શરીરને સમાપ્ત કરવાનું છે, જીવ તો વારંવાર જન્મ લેતો રહેશે. આ સાંભળી મૃત્યુએ બ્રહ્માજીની વાત માની લીધી અને ત્યારથી પૃથ્વી પર બધાં પ્રાણીઓનાં મૃત્યુ થવા લાગ્યાં.

આ રીતે કાળભૈરવને લાગ્યું બ્રહ્મહત્યાનું પાપ

સમયની સાથે પૃથ્વી પર પાપ વધતાં ગયાં ત્યારે ભગવાન શંકરે બ્રહ્માજીને પૂછયું કે, આ પાપને સમાપ્ત કરવા માટે તમારી પાસે શું ઉપાય છે? પરંતુ બ્રહ્માજીએ આ વિષયમાં પોતાની અસમર્થતા દર્શાવી, જેથી ભગવાન શંકર બ્રહ્માજી પર ક્રોધિત થયા અને તે ક્રોધમાંથી જ કાલભૈરવની ઉત્પત્તિ થઈ. કાલભૈરવે બ્રહ્માજીના એ મસ્તકને પોતાના નખથી કાપી નાખ્યું કે જેણે અસમર્થતા દર્શાવી હતી. તેનાથી કાલભૈરવને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું.

ત્યારબાદ તેઓ ત્રણે લોકમાં ભ્રમણ કરતા રહ્યાં, પરંતુ બ્રહ્મહત્યાના પાપથી મુક્ત ન થઈ શક્યા. એવું માનવામાં આવે છે કે જ્યારે કાલભૈરવ કાશી પહોંચ્યા ત્યારે બ્રહ્મહત્યાના પાપમાંથી તેઓ મુક્ત થયા. તે જ સમયે આકાશવાણી થઈ કે તમે અહીં જ નિવાસ કરો અને કાશી નગરીની સુરક્ષાની જવાબદારી સંભાળો.

આવી છે પૌરાણિક કથા

અન્ય એક પૌરાણિક કથા પ્રમાણે એક વાર શ્રીહરિ વિષ્ણુ અને બ્રહ્માજી વચ્ચે બંનેમાંથી શ્રોષ્ઠ કોણ એ બાબતે વિવાદ ઊભો થયો. આ વિવાદે બહુ મોટું સ્વરૂપ ધારણ કર્યું. જેથી ભગવાન શિવે એક સભાનું આયોજન કર્યું. આ સભામાં જ્ઞાનીઓ, ઋષિ–મુનિઓ, સિદ્ધ સંતોને બોલાવવામાં આવ્યા. આ સભામાં એક નિર્ણય લેવામાં આવે છે જો ભગવાન વિષ્ણુ સ્વીકાર કરી લે છે, પરંતુ બ્રહ્માજી એ નિર્ણયને માન્ય રાખતા નથી તથા મહાદેવનું અપમાન કરવા લાગે છે. શાંતચિત્ત ભગવાન શિવ બ્રહ્માજી દ્વારા પોતાનું અપમાન સહન ન કરી શક્યા અને હુંકાર ભરી. આ હુંકારમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. ભગવાન ભૈરવ શ્વાન (કૂતરું) પર સવાર હતા. તેમના હાથમાં દંડ હતો, તેથી તેઓ દંડાધિપતિ પણ કહેવાય છે. ભૈરવજીનું રૂપ ખૂબ જ ભયંકર હતું. તેમણે બ્રહ્માજીનું પાંચમું મસ્તક કાપી દીધું કે જેણે ભગવાન શંકરનું અપમાન કર્યું હતું. ત્યારબાદ બ્રહ્માજીને પોતાની ભૂલ સમજાઈ અને તેઓ ભગવાન ભોળાનાથ તથા ભૈરવજીની વંદના કરવા લાગ્યા. ભગવાન ભૈરવ બ્રહ્માજી, દેવી–દેવતાઓ અને સાધુ–સંતો દ્વારા વંદના કરાતાં શાંત થાય છે. આ રીતે ભૈરવજીની ઉત્પત્તિ થઈ હતી.

આવી માન્યતા પણ જોડાયેલી છે

એવી માન્યતા છે કે ધર્મની મર્યાદા જાળવવા માટે ભગવાન શંકરે પોતાના જ અવતાર કાલભૈરવને આદેશ આપ્યો હતો કે, ભૈરવ, તમે બ્રહ્માજીનું પાંચમું મસ્તક કાપી બ્રહ્મહત્યાનું જે પાપ કર્યું છે, તેના પ્રાયિૃત્ત માટે તમારે પૃથ્વી પર જઈને માયાજાળમાં ફ્સાવું પડશે અને વિશ્વ ભ્રમણ કરવું પડશે. બ્રહ્માજીનું કપાયેલું મસ્તક જ્યારે તમારા હાથમાંથી પડી જશે, તે સમયે તમે પાપમુક્ત થઈ જશો અને તે જ જગ્યાએ તમારી સ્થાપના થશે. કાલભૈરવની આ યાત્રા કાશીમાં સમાપ્ત થઈ હતી.

ભૈરવાષ્ટમીનું મહત્ત્વ

ભગવાન કાલભૈરવની સાથે સાથે આ દિવસે કાલી માતાની પૂજા–અર્ચના કરવાનું વિધાન છે. કાલી માતાની ઉપાસના કરનારે મધ્ય રાત્રિએ દુર્ગા પૂજામાં સાતમ તિથિએ દેવી કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે તેવી જ રીતે પૂજા કરવી જોઈએ.

ભૈરવજીની પૂજા–અર્ચના અને આરાધના કરવાથી પરિવારમાં સુખ–શાંતિ, સમૃદ્ધિની સાથે સ્વાસ્થ્યનું પણ રક્ષણ થાય છે. ભૈરવ તંત્રોક્ત, બટુક ભૈરવ કવચ, કાલભૈરવ સ્તોત્ર, બટુક ભૈરવ બ્રહ્મકવચ વગેરેનો નિયમિત પાઠ ભૈરવાષ્ટમીએ તથા નિયમિત રીતે કરવાથી અનેક સમસ્યાઓનું નિવારણ થાય છે. કાલભૈરવ અષ્ટમીએ ભૈરવજીનાં દર્શન કરવાથી અશુભ કાર્યોમાંથી પણ મુક્તિ મળે છે. ભૈરવ ઉપાસના શનિ, રાહુ–કેતુ જેવા ક્રૂર ગ્રહોના ખરાબ પ્રભાવને પણ સમાપ્ત કરે છે.

ભૈરવાષ્ટમી વ્રત-પૂજનવિધિ

શિવજીના ભૈરવ રૂપની ઉપાસના કરનાર ભક્તોએ ભૈરવનાથજીની ષોડ્શોપચાર સહિત પૂજા કરવી જોઈએ તથા તેમને અર્ધ્ય આપવો જોઈએ. રાત્રિના સમયે જાગરણ કરીને ભોળા શંકર તથા માતા પાર્વતીજીની કથા તથા ભજન–કીર્તન કરવાં જોઈએ. સાથે ભૈરવજીની કથાનું શ્રાવણ તથા મનન કરવું જોઈએ. મધ્ય રાત્રિએ શંખ, નગારાં, ઘંટ વગેરે વગાડીને ભૈરવજીની આરતી કરવી જોઈએ.

ભગવાન ભૈરવનાથનું વાહન શ્વાન છે, તેથી ભૈરવજીને પ્રસન્ન કરવા માટે ભૈરવાષ્ટમીએ કૂતરાંઓને ભોજન આપવું જોઈએ. માન્યતા અનુસાર આ દિવસે પ્રાતઃકાળે પવિત્ર નદી અથવા સરોવરમાં સ્નાન કરીને પિતૃઓને શ્રાાદ્ધ તર્પણ કરીને ભૈરવજીની પૂજા તથા વ્રત કરવાથી સમસ્ત વિઘ્નો સમાપ્ત થઈ જાય છે તથા દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે. ભૈરવજીની પૂજા–ભક્તિ કરવાથી ભૂત, પિશાચ તથા કાળ પણ દૂર રહે છે. વ્યક્તિને કોઈ રોગ સ્પર્શી પણ શકતો નથી.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *