પહાડો અને તીર્થયાત્રાઓની રક્ષક માનવામાં આવતી દેવી દિવસમાં ત્રણ વખત પોતાનું રુપ બદલે છે, પુજારીઓ કહે છે દ્વાપર યુગથી માતા આ મંદિરમાં સ્થાપિત છે.
દિવસમાં ત્રણ વખત મૂર્તિ બદલે છે રુપ
ભારતમાં રહસ્યમય અને પ્રાચીન મંદિરોની કોઈ અછત નથી. એવું જ એક મંદિર ઉત્તરાખંડનાં શ્રીનગરથી આશરે 14 કિલોમીટર દૂર સ્થિત છે. આ મંદિરમાં દરરોજ એક ચમત્કાર થાય છે, જેને જોઈને લોકો આશ્ચર્ય પામી જાય છે. આ મંદિરમાં રહેલ માતાની મૂર્તી દિવસમાં ત્રણ વખત તેનું રુપ બદલે છે. મૂર્તીની સાથે થતા આ ફેરબદલને જોઈ લોકો ચોંકી જાય છે.
દરેક દર્શનાર્થી આશ્ચર્ય પામે છે
આ મંદિરને ધારી દેવી મંદિરનાં નામે ઓળખવામાં આવે છે. ધારી દેવીની મૂર્તિ સવારમાં એક કન્યાની જેવી દેખાય છે, પછી બપોરે તે યુવતી અને સાંજે વૃદ્ધ મહિલાની જેમ નજરે ચડે છે. જે નજારો જોનાર વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જાય છે.
દેવી કાળી ને સમર્પિત છે આ મંદિર
દેવી કાળીને સમર્પિત આ મંદિર અંગે માન્યતા છે કે ત્યાં હાજર માં ધારી ઉત્તરાખંડની ચારધામની રક્ષા કરે છે. માતાને પહાડો અને તીર્થયાત્રાઓની રક્ષક દેવી માનવામાં આવે છે. આશ્ચર્ય પમાડતુ આ ધારી દેવી મંદિરનું ઝરણાની વચ્ચે સ્થિત છે.
ઇશ્વરિય આદેશથી મંદિરની સ્થાપના થઈ
એક પૌરાણિક કથા અનુસાર, એક સમયે જબરજસ્ત પૂરમાં આ મંદિર વહી ગયુ હતું. જેનાંથી ત્યાં રહેલા માતાની મૂર્તિ પણ વહી ગઈ અને તે ધારો ગામની પાસે એક ભેખડ સાથે અથડાઈને ત્યાં રોકાઈ ગયું. કહેવામાં આવે છે કે આ મૂર્તિમાંથી એક ઇશ્વરિય અવાજ નીકળ્યો જેણે ગામના લોકોને તે જગ્યા પર મૂર્તિ સ્થાપવાનો નિર્દેશ કર્યો. ત્યારબાદ ગામનાં લોકોએ મળીને ત્યાં માતાનું મંદિર બનાવ્યું. પૂજારીઓનાં જણાવ્યા અનુસાર મંદિરમાં માં ધારીની પ્રતિમા દ્વાપર યુગથી જ સ્થાપિત છે.
2013નું પૂર મૂર્તિને તેના સ્થાનેથી હટાવવાથી આવ્યું
સ્થાનિય લોકો મુજબ માં ધારીનાં મંદિરને વર્ષ 2013માં તોડી દેવામાં આવ્યું હતું અને તેની મૂર્તિને તેનાં મૂળ સ્થાન પરથી હટાવી દેવામાં આવી હતી. જેનાં લીધે તે વર્ષે ઉત્તરાખંડમાં ભયાનક પૂર આવ્યું હતું. જે પૂરમાં હજારોની સંખ્યામાં લોકોનાં જીવ ગયા હતા. માનવામાં આવે છે કે ધારી દેવીની પ્રતિમાને 16 જૂન 2013ની સાંજે હટાવવામાં આવી હતી અને તેનાં થોડા જ કલાકમાં રાજ્યમાં આપત્તિ આવી પડી હતી. ત્યારબાદ તે જગ્યા પર ફરીથી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.