હનુમાનજીની પરમકૃપા પ્રાપ્ત કરવા કઈ રીતે કરવી ઉપાસના? જાણો પૂજનની સરળ રીત અને પૂજા દરમિયાન રાખવી પડતી કાળજી

ધાર્મિક

સમગ્ર ભારતમાં તમને ઠેર ઠેર શિવાલય અથવા હનુમાનજીનાં નાનાં કે મોટાં મંદિરો જોવા મળશે.  જેટલા શિવાલય હશે તેટલાં જ તેનાથી વત્તા કે ઓછા અંશે હનુમાનજીનાં પણ મંદિર જોવા મળે જ છે.  હનુમાનજી નૈષ્ઠિક બ્રહ્મચારી છે.  તેમની સાધના જો કોઇ મન, વચન, કર્મથી પવિત્ર રહીને કરે તો જે તે હનુમાનજી ઉપાસકનાં કઠિનમાં કઠિન કે ખૂબ ભયંકર કષ્ટ દૂર થાય છે.  જગતના સાત ચિરંજીવીઓમાં જેની ગણના થાય છે તેવા શ્રીરામ ભક્ત હનુમાનજી છે.  જેમ શંકરનું શિવાલય નંદિ વગરનું નથી હોતું તેમ શ્રીરામના રામજી મંદિરમાં હનુમાનજી મહારાજ અવશ્ય જોવા મળે છે.  આ કળિયુગમાં હનુમાનજી મહારાજ પ્રત્યક્ષ હાજરાહુજુર દેવ છે.  તેમનાં નાનાં – મોટાં મંદિરો ઠેર – ઠેર આપણને જોવા મળે છે.

ઉપાસનાની સરળ રીતઃ

દરરોજ પ્રાતઃકર્મ પતાવી સ્નાન કરી હનુમાનજી ચાલીસાનો પાઠ કરવો.  મંગળવાર તથા શનિવારે હનુમાનજીનું પૂજન કરી તેમના કપાળમાં સિંદૂર લગાવવું.  તેમને જે ભક્ત સિંદૂર ચડાવે છે તે ભક્તના મનમાંથી ભયની લાગણી સદા માટે ચાલી જાય છે.  શત્રુઓ ફાવતા નથી.  તબિયત સારી રહે છે.  દર શનિવાર તથા મંગળવારે આંકડાના મોટા ફૂલની માળા અવશ્ય ચડાવવી,  તેમને પ્રસાદમાં બુંદી, સૂકો મેવો કોઇ ફળ કે મલિદો ચડાવી શકાય છે

પાઠ કરવા બેસતી વખતે એક અખંડ દીપક સિંગતેલનો ચાલુ રાખવો

હનુમાનજીની તત્કાળ પ્રસન્નતા મેળવવા જે તે ભાવકે રાતના નવ પછી શનિવારે સો હનુમાન ચાલીસાના પાઠ કરવા.  ૧૦૧ કે ૧૦૮ કરવા નહીં ફક્ત ૧૦૦ હનુમાન ચાલીસા કરવા કારણ કે હનુમાન ચાલીસામાં સ્વયં તુલસીદાસજી મહારાજે લખ્યું છે કે,  જો શત બારપાઠ કરે કોઇ છૂટે હિ બંદિ મહાસુખ હોઇ.  હનુમાન ચાલીસાને પોતાની જિંદગીભરનું પુણ્ય અર્પણ કરીને શ્રી તુલસીદાસજીએ હનુમાન ચાલીસાને અપાર સિદ્ધિ અર્પણ કરી છે.  પાઠ બને તો મોઢે કરવા.  જેમને પાઠ મોઢે નથી તેવા ભક્તે લાલ રંગમાં છપાયેલી હનુમાન ચાલીસાના પાઠ કરવા.  કારણ કે લાલ રંગમાં છપાયેલી હનુમાન ચાલીસાનું મહત્ત્વ વધારે છે.  તે રંગ હનુમાનજીને ખૂબ પ્રિય છે.  પાઠ બને તો લાલ પીતાંબર પહેરીને જ કરો.  હા પાઠ કરવા બેસતી વખતે એક અખંડ દીપક સિંગતેલનો ચાલુ રાખવો.

પાઠ દરમ્યાન ઇશારા કરવા નહીં, બોલવું નહીં

અગરબત્તી અખંડ રાખવી.  કપાળે એક તિલક સિંદૂરનું કરવું.  પાઠ પૂર્ણ થયેથી બને તો સુંદરકાંડનો એક પાઠ કરવો.  પાઠ પૂર્ણ થયા પછી વડીલોને પગે લાગવું.  તેમની આરતી કરવી.  પ્રસાદ વહેંચવો.  પાઠમાં બેસતાં પહેલાં ગણપતિ મહારાજને ૧૦૦ પાઠ પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરવી.  પાઠ દરમ્યાન ઇશારા કરવા નહીં,  બોલવું નહીં .હનુમાનજી વીર છે,  વીર તથા ઉગ્ર દેવ દેવીની ઉપાસના રાત્રે નવ પછી કરવાનું શાસ્ત્રોકત વિધાન છે.  રાતના નવ પછી વીર તથા ઉ-ગ્ર દેવ દેવી પૃથ્વી પર વિચરણ કરતા હોય છે.  જ્યાં તેમની સાધના ઉપાસના રાત્રે નવ પછી થતી હોય છે ત્યાં તેઓ તત્કાળ પહોંચી જઇ પ્રસન્નતા અનુભવે છે,  તે ખુશ થતાં જ તેઓ જે તે ભક્તની મનની ઇચ્છા જાા તેને પૂર્ણ કરે છે.

સાવધાની:

મન, કર્મ, વચનથી પવિત્ર રહેવું,  પારકી સ્ત્રીને હંમેશાં માતા કે બહેન કે દીકરીનાં સ્વરૂપે જોવાં,  કોઇ સ્ત્રી માટે મનમાં કુભાવ લાવવો નહીં,  બને તેટલું બ્રહ્મચર્ય પાળવું..

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *