જાણો શા માટે માતા દુર્ગા કરે છે સિંહ પર સવારી

ધાર્મિક

તમે માતા દુર્ગાની મૂર્તિ જુઓ કે ફોટો તેમના દર્શન હંમેશા સિંહની સવારી પર થાય છે. કોઈપણ દેવતા હોય કે દેવી તેમની સવારી સાથે તેમનો ખાસ સંબંધ હોય છે. દરેક દેવી-દેવતાઓના પ્રાગટ્યની જેમ કથા હોય છે તેવી જ રીતે તેમના વાહન સાથે પણ પૌરાણિક કથાઓ જોડાયેલી હોય છે. જાણો શા માટે માતા દુર્ગા કરે છે સિંહની સવારી.

સિંહ શક્તિ અને સામર્થ્યનું પ્રતિક છે. તે શૌર્ય અને આક્રમકતાનું પણ પ્રતિક છે. આ ત્રણેય વિશેષતાઓ માતા દુર્ગાના આરચણમાં જોવા મળે છે. તેમનામાં સતી પાર્વતી શક્તિ જેવા અનેક દૈવીય સ્વરૂપ સમાહિત છે. આવા શક્તિ સ્વરૂપા દેવી દુર્ગાનું વાહન સિંહ શા માટે છે તેની પાછળ એક પૌરાણિક કથા નીચે મુજબ છે.

ભગવાન શંકરને પતિ તરીકે પામવા માટે પાર્વતીજીએ કઠોર તપ કર્યું. તપથી તેમણે ભગવાન શંકરને પતિ તરીકે પામી તો લીધા પરંતુ વનમાં તપ કરવાના કારણે તેમનો વાન શ્યામ થઈ ગયો. એક દિવસની વાત છે કે ભગવાન શંકરે દેવી પાર્વતીને મજાક મજાકમાં શ્યામ વર્ણની વાત કહી. આ વાતથી પાર્વતીજી ફરીથી તપ કરવા જંગલમાં જતાં રહ્યા. જ્યાં દેવી પાર્વતી તપ કરી રહ્યા હતા ત્યાં એક ભુખ્યો સિંહ આવ્યો અને તેમને ખાવા માટે માતાનું તપ પુર્ણ થવાની રાહ જોવા લાગ્યો અને આવી રીતે વર્ષો વિતી ગયા. પાર્વતીના તપથી શંકર ભગવાન પ્રસન્ન થયા અને તેમનો વર્ણ ગોરો થઈ જશે તેવું વરદાન આપ્યું અને નદીમાં સ્નાન કરવા આદેશ કર્યો. દેવી જ્યારે સ્નાન કરીને પરત ફર્યા તો તેમના શરીરમાંથી એક દેવીનો જન્મ થયો જે માતા ગૌરી કહેવાયા.

સ્નાન પછી માતા પાર્વતીને ધ્યાનમાં આવ્યું કે એક સિંહ તેમનું તપ પૂર્ણ થાય તેની રાહ જોતો વર્ષો સુધી તેમની પાસે બેસી રહ્યો. આ સિંહના તપ પર તેઓ પ્રસન્ન થયા અને તેને વરદાન આપી પોતાનું વાહન બનાવ્યો. આમ માતા દુર્ગાએ સિંહને પોતાના વાહન તરીકે સ્વીકાર કર્યો.

Leave a Reply

Your email address will not be published.