શું સુચવે છે ગણેશજીના સુપડા જેવા કાન, લાબું નાક, મહાકાય પેટ અને એકદંત?

ધાર્મિક

આજે ગણેશચતુર્થીએ જાણે કે આખુ દેશ ભક્તિમય બની જશે.  ચારેબાજુ આપણને ગણપતિ બાપા મોરિયાના નાદ સાંભળવા મળશે.

ગણેશ ચતુર્થીથી લઇને અનંત ચૌદસ સુધી જે ગણેશજીની આપણે રોજ પુજા કરવાના છીએ તેના વિશે આપણે કેટલુ જાણીએ છીએ.  ગણેશજીનું રુપ માત્ર બાહ્ય નથી, આંતરિક પણ છે.  ગણેશજીના સુપડા જેવા કાન, લાંબુ નાક, મહાકાય પેટ અને એકદંત આ બધા શેના સુચક છે જાણો છો.  આપણે ગાઇએ તો છીએ એકદંત દયાવંત ચારભુજા ધારી પરંતુ તેનો અર્થ જાણવાની કોશિશ કરી છે. આજના જમાનામાં આપણા પ્રિય દેવ ગણેશજી પાસેથી ખરેખર ઘણી બાબતો શીખવા જેવી છે, ખાસ કરીને ઘરના મોભીએ.

સૂંપડા જેવા કાન

ગણપતિના મહાકાય કાન સુચવે છે કે કાન ખુલ્લા રાખો અને પરિવારમાં ચાલતા મતભેદોને તમારા સુધી પહોંચવા દો.  તોજ તમે તેનુ નિરાકરણ લાવી શકશો.  જો તમે ઇચ્છતા હો કે પરિવાર એક થઇને રહે તો તમારે ખુલ્લા કાને બધાની વાત સાંભળવી જ પડશે.  તેનુ નિરાકરણ પણ તમારે જ લાવવું પડશે કેમકે તે તમારા સિવાય કોઇ કરી શકવાનું નથી.

લાંબુ નાક

સંજોગો અને પરિસ્થિતિને સુંઘો.  ઘરમા તમારા આવ્યા પછી તમારી હાજરીના કારણે વાતાવરણ બદલી નાંખવામા આવતુ હોય અને શાંતિનુ સર્જન કરી દેવામાં આવતુ હોય તો તે શાંતિ ક્ષણભંગુર છે.  તમારામાં ઘર પર આવવાના સંકટને સુંઘવાની ક્ષમતા હોવી જોઇએ.  ઘરની એકતાને તોડી નાંખનાર સંકટને પારખવાની ક્ષમતા પણ તમારામા હોવી જોઇએ.

મહાકાય પેટ

ઘરના મોભીએ ઘરની એક એક વાત, એક એક પરિસ્થિતિને તેમા સમાવી લેવાની હોય છે.  દરેક વાત પોતાના સુધી સિમિત રાખવાની હોય છે.  જો ગણપતિની જેમ મહાકાય પેટ બનાવીને દરેક વાતનો સંગ્રહ તેમા નહી કરવામાં આવે તો બની શકે કે પરિવાર વિખરાઇ જાય.  ગણેશજીનુ મહાકાય પેટ આપણને આ વાત શીખવે છે. ક્યારેક ગુસ્સો આવે તો પણ તેને હસતા મોઢે પેટમાં ધરબી દેવાનો હોય છે.

ઝીણી આંખ

આ ઝીણી આંખ દીર્ધ દ્રષ્ટિની સુચક છે.  જો તમે પરિવારના હિતને જોતા હો તો તમારે દીર્ધ દ્રષ્ટિ કેળવવી પડશે.  દુર સુધી જોવું પડશે.  આવનારા ભવિષ્ય પર ત્રાટકનારી મુશ્કેલીઓને જોઇ,  પારખી લેવી પડશે.  પરિવારના વિધ્નહર્તા બનવા માટે આ ખુબ જરુરી છે.

એકદંત

વિધ્નહર્તાનો એક દાંત આખો છે અને એક તુટેલો છે.  એ બંને પણ સુચક છે.  સ્વામી સચ્ચિદાનંદ કહે છે કે હથિયાર ઉપાડવાની ક્ષમતા પણ હોય અને પોતાની વ્યક્તિ માટે શસ્ત્ર ઉપાડવાની તૈયારી પણ હોવી જોઇએ.  સમય સાથે નિર્ણય લેવાની ક્ષમતા હોવી જોઇએ.

ગણેશજીનું વાહન શું સુચવે છે?

વિધ્નહર્તા પોતે મહાકાય છે અને તેમનું વાહન ઉંદર જેટલુ નાનકડુ છે.  તેનો અર્થ એ છે કે તમારો ભાર ક્યારેય કોઇને લાગવા ન દો. જ્યારે કોઇને આપણી હાજરીનો ભાર લાગે ત્યારે સંબંધોનુ બાષ્પીભવન થઇ જતુ હોય છે તેથી વિધ્ન હર્તા ઉંદર પર સવારી કરે છે. પોતે મહાકાય હોવા છતા કોઇને ભાર લાગવા દેતા નથી.  ગણેશજીનું વાહન ઉંદર આ બાબતનું સુચક છે.

ગણેશજીનો પ્રસાદ પણ સુચક છે

હિન્દુ સંસ્કૃતિમાં ફક્ત એક એવા ભગવાન છે જેમના ફોટામાં તેમની સાથે પ્રસાદ પણ દર્શાવાય છે.  ગણેશજીના પ્રસાદ લાડુનો અર્થ એ છે કે એટલા કડવા ન બનો કે લોકો તમારી પાસે આવવાનું ટાળે. હંમેશા મીઠા બનીને રહો.  તમારા વાણી અને વર્તનમાં મીઠાશ હોવી જોઇએ.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *