ભગવાન શિવની અલૌકિક છવી નું રહસ્ય, જાણો ભગવાન શિવ પાસે કેવી રીતે આવ્યો ત્રિશૂલ ,ડમરૂ ,સાપ અને ચંદ્ર !

ધાર્મિક

સંસારનું સૌથી શક્તિશાળી શસ્ત્ર છે ત્રિ-શૂળ ! શિવજીના પ્રતિકની સાથે સકારાત્મક ઉર્જાની પણ પ્રાપ્તિ કરાવે છે ડમરૂ.  શું તમે જાણો છો કેમ શિવજીના ગળામાં એક આભૂષણની જેમ શોભાયમાન હોય છે નાગ ?

દેવાધિદેવ મહાદેવનું જ્યારે પણ સ્મરણ કરીએ આપણાં ચહેરા સમક્ષ એ જટાળા જોગીનું ચિત્ર ઉપસી આવે. એવું ચિત્ર કે જેમાં ભોળાનાથના એક હાથમાં ડમરું શોભતું હોય અને અન્ય પર તેમનું ત્રિ-શૂળ હોય. એવું ચિત્ર કે જેમાં ભાલ પર ચંદ્રદેવ શોભાયમાન હોય, ગળા પર સ્વયં નાગ દેવતા અને જટામાં દેવી ગંગાને ધારણ કરેલાં હોય. દેવાધિદેવનું આ સ્વરૂપ જ દર્શન માત્રથી ભક્તોની કામનાને સિદ્ધ કરનાર મનાય છે. પણ તમે જાણો છો કે દેવાધિદેવના આ તમામ પ્રતિકો પાછળનું કારણ શું છે ? ભગવાન શિવ કેમ ધારણ કરે છે ડમરું અને ત્રિ-શૂળ ? કેમ ગળામાં શોભે છે નાગ ? કેમ સોમેશ્વર સ્વયં સોમ એટલે ચંદ્રને કરે છે ધારણ ? આવો આજે આપને આપીએ આ તમામ સવાલો નો જવાબ.

ત્રિ-શૂળઃ

ત્રિ-શૂળ એ ત્રણ ગુણ સત્વ, તમસ અને રજસનું પ્રતિનિધિત્વ કરે છે. એવું કહે છે કે દેવાધિદેવને ત્રિ-શૂળ અત્યંત પ્રિય છે. અને મહાદેવના ત્રિ-શૂળની આગળ સંસારની કોઈ પણ શક્તિ ટકી નથી શકતી. એટલે કે સંસાસરનું સૌથી શક્તિશાળી શસ્ત્ર છે ત્રિ-શૂળ.

ડમરુંઃ

ડમરૂ એટલે એક એવું વાદ્ય કે જે મનાય છે સંસારમાં સંગીતની ઉત્પતિનું કેન્દ્ર ! આમ તો સંગીત અને વિદ્યાની દેવી માતા સરસ્વતીને માનવામાં આવે છે. એવી માન્યતા છે કે સંસારની રચના સમયે જ્યારે દેવી સરસ્વતી અવતરિત થયા ત્યારે તેમની વાણીથી જે ધ્વનિ ઉત્પન્ન થઈ તે સૂર અને સંગીત રહિત હતી. એ સમયે શિવજીએ 14 વખત ડમરું વગાડ્યું અને તાંડવ નૃત્ય કર્યું. ત્યારથી જ ડમરુંને સંગીતના જનક માનવામાં આવે છે. અલબત, એવું કહેવાય છે કે ડમરું શિવજીના પ્રતિકની સાથે સકારાત્મક ઉર્જા ધરાવતું હોવાથી તેને ઘરમાં રાખવાથી પણ પરિવારના તમામ લોકોના જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

વાસુકી નાગઃ

શિવજીના ગળામાં બિરાજમાન નાગ એ નાગલોકના રાજા, વાસુકી નાગ છે. એવું કહેવાય છે કે વાસુકી એ શિવજીના પરમ ભક્ત હતા. તેમની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજીએ વાસુકી નાગનો આભૂષણના રૂપમાં સ્વીકાર કર્યો.

ચંદ્રઃ

એક કથા અનુસાર રાજા દક્ષના શ્રા-પથી મુક્તિ અર્થે ચંદ્રદેવે મહાદેવની કઠોર તપસ્યા કરી. ભોળાનાથે ચંદ્રદેવની ભક્તિથી પ્રસન્ન થઈ તેમના પર લાગેલા શ્રા-પને તો હળવો કર્યો જ પણ સાથે જ તેમને પોતાના મસ્તક પર સ્થાન પણ આપ્યું. આ જ કથાની સાક્ષી પૂરતું જ્યોતિર્લીંગ એટલે ગુજરાતના ગીરસોમનાથ જીલ્લામાં આવેલું સોમનાથ મહાદેવનું મંદિર. સ્વયં સોમ એટલે કે ચંદ્ર દ્વારા સ્થાપિત હોય આ મહાદેવ સોમનાથ મહાદેવના નામથી ખ્યાત થયા છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *