અમદાવાદના બુટભવાનીનું મંદિર શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બન્યુ છે. અહીં માતા બુટભવાની સ્વયંભૂ પ્રગટ થયા હતા.
બુટભવાની માતા ગીરપંથકના ચારણ કુટુંબનાં હતાં. દેવલબા માતૃશ્રી અને બલાડ માતાજી,બહુચર માતાએ બંને બહેનો હતાં. શ્રી બુટભવાની માતાજીનું મંદિર અમદાવાદના ધોળકા તાલુકાના અરણેજ ગામે આવેલું છે. ધોળકાથી 25કિ.મી.ના અંતરે આવેલું આ મંદિર ઐતિહાસિક, રમણીય અને પ્રાચીન છે.
અહીં માતાજી સ્વયંભૂ પ્રગટ થયા હતા. માતાજીને રવિવારથી શનિવાર સુધી જુદી જુદી સવારી ઉપર બિરાજમાન કરવામાં આવે છે. અરણેજ બુટભવાની શક્તિપીઠ તરીકે પણ પૂજાય છે. આ મંદિર આશરે 11 એકરમાં પથરાયેલું છે.
તેમજ દર પૂનમે ભક્તોનું ઘોડાપૂર ઊમટે છે. બુટભવાની માતાના મંદિરમાં પાંચ આરતી થાય છે. ચૈત્ર સુદ પૂનમે માતાજીની જન્મજયંતીએ ભવ્ય લોકમેળો ભરાય છે. હાલમાં મંદિર બંસી પહાડપુરી પથ્થરોથી ભવ્ય બનાવવામાં આવી રહ્યું છે. જે પૂર્ણ થતાં એક વર્ષ લાગશે. મંદિરમાં બાળ ક્રીડાંગણ પણ છે. અહીં ભક્તો માટે રહેવા તથા જમવાની ઉત્તમ સગવડ મંદિર તરફથી પૂરી પાડવામાં આવે છે.
વર્ષો પહેલા બ્રિટિશ સરકાર દ્વારા અરણેજ ગામ પાસે રેલવે લાઈન નાખવામાં આવી હતી. પરંતુ માતાને કોઈ પણ પ્રકારનો અવાજ પસંદ ન હતો. જેના લીધે ટ્રેન અરણેજ ગામથી આગળ જઈ શકતી ન હતી. જેવી ટ્રેન મંદિર પાસે આવે કે રેલના પાટા ઉખડી જતા. આ સમયગાળામાં ભાવનગર-અમદાવાદ રેલવે લાઈન નખાતી હતી ત્યારે પાટા ઘણીવાર વેરવિખેર થઈ ગયા હતા.
પછી ગામલોકોના કહેવાથી સરકારે સવા રૂપિયો અને નાળિયેર માતાને ધરાવતા લાઈન નાખવાનું કામ આગળ વધ્યું હતું. આજ સુધી સરકાર તરફથી માતાને વર્ષાસન આપવામાં આવે છે, અને આજે પણ રેલવે ત્યાંથી નીકળે ત્યારે વ્હીસલ વગાડીને નીકળે છે. જે આ મંદિરની ખાસ વિશેષ બાબત છે.
ભક્તોની આસ્થા પૂરી કરના માતા બુટભવાનીનું નામ આખરે બુટભવાની કેમ પડ્યુ તેની પાછળ પણ અનોખુ રહસ્ય છે. તાજેતરમાં જ બુટભવાની માતાજીનો શિખર પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ 51 કુંડીય હોમાત્મક સહસ્ત્ર ચાંદી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સજોડે બ્રાહ્મણ યુગલો દ્વારા ચાંદી મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો. આશરે સાત કરોડના ખર્ચે મંદિરનું નવીનિકરણ કરી પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયુ હતુ. જેનો લાભ લેવા મોટી સંખ્યામાં સંતો-મહંતો સહિત શ્રદ્ધાળીઓ જોડાયા હતાં.
અરણેજ ગામના કારડિયા રાજપૂત સમાજમાં થયેલ કાળાભાઇ તથા ધોળાભાઇ માતાના ઉપાસક હતા. માતાએ તેમને સ્વપ્નમાં આવીને કહ્યું કે હું તમારા ગામના વડની નીચે છું. મને બહાર કાઢી મારું સ્થાપન કરો. હું બુટભવાની માતાજી છું ત્યારે કાળાભાઇ તથા ધોળાભાઇએ માતાજીને કહ્યું કે ત્યાં તો બ્રિટિશ ગર્વમેન્ટની છાવણી છે. અમે વડને કાપી નાખીએ તો અમારા રાઇ રાઇ જેવડા ટુકડા કરી નાખે.
તે સમયે માતાજીએ રાજાને સ્વપ્નમાં કહ્યું, તારા ત્યાં દીકરો જન્મશે તેને જમણા પગે લાખાનું નિશાન હશે. ઘોડીને વછેરો આવશે અને તારા ભાલા ઉપર ચકલી ફરકતી હશે અને તારો ફતેહ થશે, તો માનજે હું માતાજી છું. આમ સ્વપ્ન સાચું થતાં રાજાએ માતાના કહ્યાં મુજબ વડલા નીચેથી મૂર્તિ, ચોખા અને ચૂંદડી મળી આવ્યાં અને ત્યાં માતાજીનું સ્થાપન કરવામાં આવ્યું. રાજાએ ગાયકવાડ સરકાર પાસેથી અરણેજ ગામ વેચાતું લઇ લીધું અને માતાજીને અર્પણ કર્યું. ત્યારથી અરણેજ ગામ ઇનામી ગામ તરીકે પણ ઓળખાય છે.
અહીં માતાજીને ચુંદડી ચઢાવવાનો પણ ખાસ મહિમા છે. ભક્તો અહીં તન મન ધનથી માતા બુટભવાનીની સેવા કરે છે. અને મા પણ જાણે પોતાના ભક્તો પર સાક્ષાત અમીદ્રષ્ટિ વરસાવી રહ્યા હોય તેમ પ્રતીત થાય છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.