દર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચોથના દિવસને ભગવાન ગણેશની જન્મજયંતિ તરીકે એટલે કે ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે ગણેશોત્સવનો તહેવાર 10 સપ્ટેમ્બરથી શરુ થશે. હિન્દુ માન્યતાઓ અનુસાર, ભગવાન ગણેશનો જન્મ ભાદરવા મહિનાની શુક્લ પક્ષ ચતુર્થી તિથિએ સ્વાતિ નક્ષત્ર અને સિંહ લગ્નમાં બપોરે થયો હતો. ગણેશ ચતુર્થી પર લોકો પોતાના ઘરે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરીને ભગવાન ગણેશની પૂજા કરે છે. ગણેશ ચતુર્થી પર ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે ઘણી વસ્તુઓ ચઢાવે છે. જેમાં મુખ્ય રૂપે મોદક અને દુર્વા ઘાસનો સમાવેશ થાય છે. તો આજે ભગવાન ગણેશને મોદક અને દુર્વા ઘાસ કેમ પસંદ છે એ વાતનો ઉલ્લેખ જેમાં થયો છે એવી પૌરાણિક કથા જાણીશું –
શા માટે પસંદ છે ગણેશજીને મોદક –
એક પૌરાણિક કથા અનુસાર, એક વખત ઋષિ અત્રિએ ગણેશજીને ભોજન માટે આમંત્રણ આપ્યું, ઋષિ અત્રીની પત્ની અનુસૂયાએ ગણેશને ભોજન પીરસ્યું, ગણેશજી ભોજન ગ્રહણ કરવા લાગ્યા, પણ તેમની ભૂખ સંતોષાતી જ ન હતી, જેથી અનુસૂયાને ચિંતા થવા લાગી કે જો ગણેશજીને સંતોષ ન થયો તો શું થશે. ઘરે આવેલા મહેમાનને તૃપ્ત કર્યા વિના પાછા ન જવા દેવાય. ત્યારે અનુસૂયાજીએ વિચાર્યું કે ગણેશજીને ખાવામાં કંઈક મીઠું આપવું જોઈએ. ગણેશજીને તૃપ્ત કરવા માટે અનુસૂયાએ મોદક આપ્યા, ગણેશજીને મોદક ખાધા અને ખાવાની સાથે જ મીઠાં મોદક એમનાં મોઢામાં ઓગળી ગયા. મોદક ખાઈને ગણેશજીનું મન અને પેટ બંને ભરાઈ ગયા. તેઓ ખૂબ જ પ્રસન્ન થયા.
આવી જ એક બીજી કથા છે કે એક વખત માતા પાર્વતીએ પણ ગણેશજીને લાડુ પીરસ્યા હતા, જેને જોઈને ગણેશજી ખુશ થયા હતા. કહેવાય છે કે ત્યારથી જ ગણેશજી લાડુને ખૂબ જ પ્રિય છે, જે પણ તેને લાડુ અને મોદકનો પ્રસાદ ધરાવે છે, ભગવાન ગણેશ પ્રસન્ન થઈને તેમની બધી ઇચ્છાઓ પૂરી કરે છે.
ભગવાન ગણેશને કેમ પસંદ છે દુર્વા ઘાસ –
ગણેશજીને દુર્વા ઘાસની 21 ગાંસડી અર્પણ કરવાથી તેઓ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. કહેવાય છે કે એક અગલાસુર નામનો રા-ક્ષસ હતો, જેના ક્રો-ધથી સર્વત્ર ત્રાહિમામ ફેલાયો હતો. તે ઋષિમુનિઓને જીવતા જ ગળી જતો હતો. ત્યારે બધા જ દેવી – દેવતાઓએ મળીને ગણેશને પ્રાર્થના કરી, ગણેશ અગલાસુરને ગળી ગયા. પરંતુ તેના કારણે તેમના પેટમાં તીવ્ર બળતરા થવા લાગી, ત્યારે કશ્યપ ઋષિએ દુર્વા ઘાસની 21 ગાંસડીઓ બનાવીને ખાવા આપી, દુર્વાના ઔષધીય ગુણોને કારણે ગણેશજીના પેટમાં બળતરા શાંત થઈ. ત્યારથી ગણેશજીને દુર્વા ચઢાવવાનું શરુ થયું.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.