રક્ષાબંધન શા માટે ઉજવવામાં આવે છે, આની શરૂઆત ક્યારથી થઈ, રક્ષાબંધન પૌરાણિક કથા…

ધાર્મિક

તહેવાર આપણી ભારતીય સંસ્કૃતિની ઊજળી પરંપરા છે.  જેનાથી સાંસારિક સંબંધો પ્રેમ અને વિકાસ સાથે નવપલ્લવિત થાય છે.  રેશમના તાંતણાથી સંબંધોને વધુ પાવન અને સુદૃઢ બનાવતો રક્ષાબંધનનો તહેવાર પણ ભાઈ-બહેનના પાવન પ્રેમનું પ્રતીક છે.

રક્ષાબંધન સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી હોવાથી આ તહેવારનું આધ્યાત્મિક દૃષ્ટિએ પણ અનેરું મહત્ત્વ છે.  રક્ષાબંધનના તહેવારના પ્રતીકાત્મક મૂલ્યોને જો સમજવામાં આવે તો આ રેશમની દોર સંબંધોની સાથે જીવનને પણ પાવનકારી બનાવીને કૃ-તાર્થ કરી જાય.

શ્રાવણ સુદ પૂનમનો દિવસ રક્ષાબંધન તરીકે ઓળખાય છે  અને લગભગ આખા ભારતમાં રક્ષાબંધનનું પર્વ અતિ ઉત્સાહ અને ધૂમધામથી ઊજવવામાં આવે છે.  રક્ષા એટલે રાખડી અને બંધન એટલે બાંધવું.  ભાઇના હાથે બહેન દ્વારા જે રાખડી બાંધવામાં આવે છે  તેને રક્ષાબંધન કહેવામાં આવે છે.

રક્ષાબંધનના દિવસે દરેક બહેનો પોતાના ભાઈઓના હાથે રાખડી બાંધીને ભાઇઓના મંગલમય અને દીર્ઘાયુ જીવનની મનોકામના કરે છે.  તો બીજી તરફ ભાઇ પણ પોતાની બહેનની ધ્યાન રાખવા  તથા મુસીબતોમાં મદદરૂપ  થવાની કસમ ખાય છે  તથા પોતાની બહેનને યથાશક્તિ ભેટ આપે છે.

રક્ષાબંધનનો શુભારંભ

પુરાણો અને શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ભગવાન વિષ્ણુએ જ્યારે બલિરાજાને વરદાન માંગવા કહેલું ત્યારે બલિરાજાએ વિષ્ણુને પોતાની સાથે પાતાળમાં રહેવાનું વરદાન માગેલું.  બલિરાજાનું આ વરદાન વિષ્ણુ ભગવાને માન્ય રાખીને બલિરાજા સાથે પાતાળમાં રહે છે .

લક્ષ્મીજી ભગવાન વિના એકલાં પડી જાય છે ત્યારે લક્ષ્મીજી નારદજીના બતાવેલા ઉપાયથી બલિરાજાને પોતાનો ભાઈ બનાવીને રાખડી બાંધે છે ને બદલામાં ભગવાન વિષ્ણુને બલિરાજા પાસેથી છોડાવે છે.  બસ, ત્યારથી જ આ પર્વ પરંપરાગત રીતે ઊજવાય છે.

રક્ષાબંધન સાથે સંકળાયેલી દંતકથાઓ

સિકંદરની પત્નીએ પોતાના પતિના હિન્દુ શ-ત્રુ પુરુવાસને રાખડી બાંધીને યુ-દ્ધના સમયે સિકંદરનું જીવનદાન મેળવ્યું હતું.  વેદમાં દેવા-સુર સં-ગ્રામમાં દેવોના વિજય નિમિત્તે ઇન્દ્રાણીએ હિંમત હારી ગયેલા ઇન્દ્રના હાથે રાખડી બાંધી હતી.

જ્યારે શ્રીકૃષ્ણ ભગવાન શિશુપાલનો સુદર્શનચક્ર દ્વારા વ-ધ કરે છે  ત્યારે તેમની તર્જની આંગળીએ ઘા લાગવાથી લોહી વહે છે ત્યારે દ્રૌપદીજીએ પોતાની સાડીનો છેડો ફાડીને ભગવાનની આંગળી પર પટ્ટી બાંધી હતી.  શ્રીકૃષ્ણે ઉપકારનો બદલો ચીર-હરણ વખતે ચૂકવ્યો હતો.  આમ, એકબીજાની રક્ષા અને મદદની ભાવના આ પર્વમાં સમાયેલી છે.

રક્ષાબંધનનું માહાત્મ્ય

આ દિવસે સ્નાનાદિથી નિવૃત્ત થઇને બહેનો પૂજાની થાળી સજાવે છે.  થાળીમાં કુમકુમ, અક્ષત, હળદર, દીવો, ફૂલ , મીઠાઈ, પૈસા અને આરતી હોય છે.  સૌ પહેલાં બહેન ઇષ્ટદેવનું પૂજન કરીને શુભ મુહૂર્તમાં ભાઈના ભાલપ્રદેશની મધ્યમાં કુમકુમ તિલક કરી અક્ષત લગાડીને ભાઈનું મુખ મીઠું કરાવે છે ત્યારબાદ ભાઈની આરતી ઉતારીને જમણા કાંડે રાખડી બાંધવામાં આવે છે  અને પોતાના ભાઇ પરથી પૈસા વારીને ગરીબોને આપે છે.  ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે છે અને રક્ષાબંધનનું અનુષ્ઠાન પૂર્ણ થયા બાદ સમૂહભોજન કરવામાં આવે છે.

રાખડી બાંધવાની શાસ્ત્રોક્ત વિધા

રક્ષાબંધનના દિવસે પ્રાતઃકાળે સ્નાનાદિકાર્યથી નિવૃત્ત થઈને ભાઈ અને બહેને શુદ્ધ વસ્ત્રો ધારણ કરવાં જોઈએ.  ત્યારબાદ બેહેને ઇષ્ટદેવનું પૂજન કરવું અને રાખડીની પૂજા કરવી.  પૂજન કરતી વખતે પિતૃઓને યાદ કરવા અને પોતાના વડીલોના આશીર્વાદ મેળવવા.

રાખડી સ્વરૂપે  તમે કોઈ રંગીન સૂતરનો કે રેશમી દોરો કે બજારમાં મળતી રાખડી લઈ શકો છો.  દોરામાં સુવર્ણ કે ધન, કેસર, ચંદન, અક્ષત અને દૂર્વા મૂકીને તેની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવી.

પૂજન કરી રહ્યા પછી રાખડીની થાળી સજાવવી. થાળીમાં રાખડીની સાથે કંકુ, હળદર, અક્ષત, દીવો, અગરબત્તી, મીઠાઈ અને થોડા પૈસા રાખવા. આટલું કર્યા પછી ભાઈને બેસવા માટે યોગ્ય સ્થાન આપવું.  હવે ભાઈના કપાળે કંકુ-હળદરથી તિલક કરવું.

ત્યારબાદ અક્ષતથી તિલક કરવું અને થોડા માથા પર નાખવા.  ભાઈની આરતી ઉતારવી અને જમણા હાથના કાંડા પર રાખડી બાંધવી.  પોતાના હાથે મીઠાઈ ખવડાવવી અને થાળીમાં રાખેલા પૈસા ભાઈના માથેથી વારીને ગરીબોને વહેંચી દેવા.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *