આ જાનવરના મળમાંથી બને છે દુનિયાની સૌથી મોંઘી કોફી, જાણો એક કપ કોફીની કિંમત

અજબ-ગજબ

ઘણા લોકોને કોફી ખૂબ જ પસંદ હોય છે અને કોફીના નવા નવા સ્વાદ માટે સમગ્ર દુનિયામાં ફરે છે. શું તમને ખબર છે કે સૌથી મોંઘી કોફી કઈ છે અને તેને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે? આ સૌથી મોંઘી કોફીનું નામ છે કોપી લુવાક (Kopi luwak). આ કોફીનો એક કપ અમેરિકામાં રૂ. 6000માં મળે છે. આ કોફી એશિયાઈ દેશો સહિત દક્ષિણ ભારતમાં બનાવવામાં આવે છે. સૌથી રસપ્રદ વાત છે કે આ કોફી બિલાડીના મળમાંથી તૈયાર કરવામાં આવે છે.

બિલાડીની આ પ્રજાતિ ખૂબ ઓછી જોવા મળે છે

આ કોફી સિવેટ બિલાડીના મળમાંથી તૈયાર કરવામાં આવતી હોવાથી તેને સિવેટ કોફી પણ કહે છે. આ બિલાડીને વાંદરાની જેમ લાંબી પૂછડી હોય છે. ઈકોસિસ્ટમ જાળવવામાં આ બિલાડી મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તમને સવાલ થતો હશે કે બિલાડીના મળમાંથી કોફી તૈયાર કેવી રીતે કરાતી હશે? આ સવાલ દરેક વ્યક્તિના મનમાં થાય છે. આ કોફી અંગેના તમારા સવાલના જવાબ અહીં આપવામાં આવ્યા છે.

આ બિલાડીને ખૂબ જ પસંદ છે કોફી બીન્સ

સિવેટ બિલાડીને કોફી બીન્સ ખાવા ખૂબ જ ગમે છે. કોફીની ચેરીને તે અધકચરી જ ખાઈ જાય છે. ચેરીનો ગર તો પચી જાય છે, પરંતુ બિલાડીના આંતરડામાં પાચક એન્ઝાઈમ ન હોવાના કારણે બિલાડી તેને આખી પચાવી શકતી નથી. યોગ્ય રીતે પાચન ન થવાને કારણે બિલાડીના મળમાં તે પાચન ન થયેલો ભાગ પણ નીકળે છે.

કોફી બનાવવાની પદ્ધતિ

પાચન ના થયેલા કોફી બીન્સને મળમાંથી કાઢીને તેને શુદ્ધ કરવામાં આવે છે અને તેમાં રહેલ જર્મ્સને દૂર કરવામાં આવે છે. તે બીન્સને ધોઈને તેનો ભૂક્કો કરવામાં આવે છે અને કોફી તૈયાર કરવામાં આવે છે. તમને કદાચ સવાલ થતો હશે કે બીન્સને કોફીના મળમાંથી શા માટે લેવામા આવે છે? કોફી ડાયરેક્ટ પણ બનાવી શકાય છે. બિલાડીના શરીરમાં બીન્સ આંતરડામાંથી પસાર થયા બાદ પાચક એન્ઝાઈમ સાથે મળીને આ કોફીને વધુ સારી બનાવે છે અને પૌષ્ટિકતા વધારે છે.

શા માટે લોકોને આ કોફી પસંદ આવે છે

નેશનલ જિયોગ્રાફિકના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કોફી બીન્સ બિલાડીના આંતરડામાંથી પસાર થયા બાદ બીન્સમાં રહેલ પ્રોટીનની રચનામાં બદલાવ થાય છે. કોફીથી એસિડીટી પણ દૂર થાય છે અને ખૂબ જ સારી કોફી બને છે. આ કોફીને સામાન્ય લોકોની નહીં, પરંતુ અમીરોની કોફી કહેવામાં આવે છે.

ઈન્ડોનેશિયામાં કોફીનું ઉત્પાદન

ભારતમાં કર્ણાટકના કુર્ગ જિલ્લામાં આ કોફી બનાવવામાં આવે છે. એશિયામાં ઇન્ડોનેશિયામાં સૌથી વધુ આ કોફી બનાવવામાં આવે છે. ઇન્ડોનેશિયા ટુરિસ્ટ નેશન બની રહ્યું છે, આ દેશમાં જંગલી બિલાડીઓની સિવેટ પ્રજાતિને આ કોફીના ઉત્પાદનની પ્રક્રિયા માટે કેદ કરવામાં આવે છે. કોફી બીન્સ તૈયાર કરવાની આ પ્રક્રિયા કોફીના બગીચાની આસપાસ થાય છે અને સહેલાણીઓને તે જગ્યા પર ફરવા માટે પણ લઈ જવામાં આવે છે. ઇન્ડોનેશિયાનો ઉદ્દેશ્ય માત્ર કોફીનું ઉત્પાદન વધારવાનો નહીં, પરંતુ ટુરિઝમને પણ વધારવાનો પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *